જામનગર તાલુકાના જાંબુડા ગામમાં 5 વર્ષમાં 10,000 વૃક્ષ વાવવામાં આવ્યા છે. આ સાથે ગામમાં અલગ અલગ સ્થળ પર ચાર બગીચા ઉભા કરવામાં આવ્યા છે. ગામમાં જુદા-જુદા વિસ્તારોમાં રસ્તા, ગટર અને પેવર બ્લોકનું કામ પણ કરવામાં આવ્યું છે.
જાંબુડા ગામના સરપંચ ગીતાબેન નારણભાઈ લાંબાએ જણાવ્યું હતું કે વર્ષ 2018થી અત્યાર સુધીમાં 10,000 થી વધુ વૃક્ષોનું ગામની શેરીઓ, મુખ્ય માર્ગો, ધાર્મિક સ્થળો અને સરકારની પડતર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં લીમડો, નીલગીરી, કરણ, જાંબુડી સહિત આયુર્વેદિક ઉપચારમાં ઉપયોગી બનતા વૃક્ષનો સમાવેશ થાય છે.
આ સાથે જ ગામમાં ચાર અલગ અલગ સ્થળ પર બગીચા બનાવવામાં આવ્યા છે. પ્રાથમિક શાળા પાસે બનાવેલા બગીચામાં વૃક્ષોને પિયત માટે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. અન્ય બગીચામાં બોરવેલ તથા પાઇપલાઇન મારફતે વૃક્ષોને પાણી પીવડાવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આ પ્રવૃત્તિમાં અલગ અલગ સામાજીક સંસ્થાઓ, લોક ભાગીદારી, વન વિભાગ, મનરેગા સહિતની સરકારી યોજનાનો સહયોગ મળ્યો હતો.
રૂ.14 લાખના ખર્ચે કોમ્યુનિટી હોલ ઉભો કરાયો
ગામમાં ઘણા સમયથી લાયબ્રેરી જર્જરીત હાલતમાં હતી. જેમાં કબાટ, ટેબલ ખુરશી સહિતની વસ્તુઓ રિપેર કરવામાં આવી હતી. ગામની લાયબ્રેરીને જામનગરની સંસ્થા દ્વારા 3000 પુસ્તક અનુદાનમાં આપવામાં આવ્યા છે. આ સાથે જ ગામમાં રૂ.14 લાખના ખર્ચે કોમ્યુનિટી હોલ ઉભો કરવામાં આવ્યો હોવાનું સરપંચે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.