હનુમાન જયંતિ:જામનગરમાં વિશ્વ પ્રખ્યાત બાલા હનુમાન મંદિરે હનુમાન પ્રાગટ્ય ઉત્સવની ભવ્ય ઉજવણી, મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટ્યા

જામનગરએક મહિનો પહેલા
  • શહેરમાં ઠેર-ઠેર બટુક ભોજન, મહાપ્રસાદ સહીતના કાર્યક્રમોનું આયોજન

જામનગરમાં વિશ્વ પ્રખ્યાત બાલા હનુમાન મંદિરે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે.

બાલા હનુમાન મંદિર અખંડ રામધૂનને લઈને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પર સ્થાન ધરાવે છે. ત્યારે કોરોના કાળના બે વર્ષમાં હનુમાન જયંતિની સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી હતી. જોકે, આ વર્ષે કોરોનાના કેસમાં ઘટાડો થતા અને સરકાર દ્વારા વધુ છૂટછાટ આપવામાં આવતા આજે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં મોટી સંખ્યામાં ભક્તો બાલા હનુમાન મંદિર ખાતે હનુમાનજીના દર્શન કરવા માટે વહેલી સવારથી જ પહોંચ્યા હતા. હનુમાન મંદિરો દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી.

જામનગરમાં હનુમાન જયંતિ નિમિત્તે વિશ્વખ્યાત બાલા હનુમાન મંદિર ખાતે આજે હનુમાન પ્રાગટ્ય ઉત્સવની ખૂબ ધામધૂમથી પૂર્વક ઉજવણી કરવામાં આવી છે. ભાવિક ભક્તોએ દિવ્ય દર્શનનો લાભ મેળવ્યો હતો. જ્યારે હનુમાન જયંતિ નિમિત્તે પ્રાગટ્ય ઉત્સવમાં સવારે 6:30 વાગ્યે આરતી કરી હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વવિખ્યાત બાલા હનુમાન ખાતે હનુમાન જયંતિને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

દિવસભર ભક્તોનો અવિરત પ્રવાહ સતત ચાલુ રહ્યો હતો. આ ઉપરાંત શહેરમાં અનેક જગ્યાએ બટુક ભોજન મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જામનગરમાં આવેલા ફુલીયા હનુમાન મંદિરે આ વર્ષે હનુમાન જયંતિની ઉજવણીમાં સવારે મહાઆરતી કરી હનુમાનજી મહારાજનો પ્રાગટ્ય ઉત્સવ મનાવ્યો હતો. જેમાં ભક્તોએ સિંદૂર પીને સાક્ષાત હનુમાનજીના દર્શન સ્વરૂપે જોવા મળ્યા હતા.

દર વર્ષે હનુમાન જયંતિના દિવસે પરંપરાગત રીતે ભક્ત સિંદૂર પીને હનુમાનજી પ્રાગટ્ય ઉત્સવની ઉજવણી કરે છે.

અન્ય સમાચારો પણ છે...