કૃષિમંત્રી રાધવજી પટેલે જણાવ્યું છે કે, હરહંમેશ ખેડૂતના કલ્યાણને વરેલી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ખેડૂતોના હિત માટે વધુ એક ક્રાંતિકારી નિર્ણય લઈને રાજ્યના ડુંગળી-બટાટા પકવતા ખેડૂતો માટે રૂ. 330 કરોડનું પેકેજ જાહેર કર્યું છે.
આજે વિધાનસભા ખાતે જાહેર અગત્યની બાબત નિયમ-44 અંતર્ગત નિવેદન રજૂ કરતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે ગૃહમાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષ 2023 લાલ ડુંગળીનું અંદાજિત 7 લાખ મેટ્રિક ટનનું ઉત્પાદનની શક્યતા છે. ફેબ્રુ.23 માસમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં અંદાજિત લાલ ડુંગળીની 1.61 લાખ મેટ્રિક ટન આવક થઈ છે. તેમજ કુલ 7.00 લાખ મેટ્રિક ટન લાલ ડુંગળીના ઉત્પાદન સામે સૌરાષ્ટ્ર વિસ્તારની એ.પી.એમ.સી.માં વેચાણ અર્થે 3.50 લાખ મેટ્રિક ટન જથ્થા માટે ગત વર્ષની સહાય યોજનાના ધોરણે સહાય આપવાનો નિર્ણય કરતા અંદાજિત રૂ.70 કરોડ રકમની સહાયની જાહેરાત કરી હતી.
મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, ડુંગળીના નિકાસમાં સહાય આપવા મળેલ રજુઆત અન્વયે અગાઉ અપાયેલ બટાટાની વાહતુક સહાયના ધોરણે લાલ ડુંગળી માટે વાહતુક સહાય યોજના માટે રાજયની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (એ.પી.એમ.સી)માં નોંધાયેલ ખેડુતો -વેપારીઓને લાલ ડુંગળી અન્ય રાજ્યો દેશ બહાર નિકાસ માટે વાહતુક સહાય જાહેર કરવામાં આવે છે. તે મુજબ પ્રથમ તબક્કે અંદાજિત 2 લાખ મેટ્રિક ટન લાલ ડુંગળીના નિકાસ માટે રૂ.20 કરોડની સહાય જાહેર કરીએ છીએ.
મંત્રીએ બટાટાના વધુ ઉત્પાદનના કારણે તેના બજાર ભાવ ઓછા હોવાથી રાજ્ય સરકારને આ બાબતે મદદ કરવા અનેક રજૂઆતો મળી હોવાનું જણાવ્યું હતું. જે સંદર્ભે રાજ્યના બટાટા ઉત્પાદક ખેડૂતોને સહાય કરવા રાજ્યની ખેડૂતહિતલક્ષી સંવેદનશીલ સરકારે ત્વરિત નિર્ણય લઇ કુલ રૂ.240 કરોડની સહાય જાહેર કરી છે. જેમાં ખેડૂતોની અલગ-અલગ પ્રકારે સહાય કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
મંત્રીએ બટાટાને અન્ય રાજ્યોમાં કે દેશ બહાર નિકાસ કરવા માટે વાહતુક સહાય અંતર્ગત ખેડુતો,વેપારીઓને બટાટા અન્ય રાજ્યો દેશ બહાર નિકાસ માટે વાહતુક ખર્ચમાં સહાય માટેની શરતો અંગે વિગતવાર માહિતી આપી હતી. રોડ ટ્રાન્સપોર્ટથી કરે તો રૂ. 750- સહાય પ્રતિ મેટ્રીક ટન, રેલ્વે મારફત કરે તો વાહતુક ખર્ચના 100 ટકા અથવા રૂ.1150 સહાય પ્રતિ મેટ્રીક ટનની મર્યાદામાં, બે માંથી જે ઓછુ હોય તે અને દેશ બહાર નિકાસ કરે તો કુલ વાહતુક ખર્ચના 25 ટકા અને રૂ.10 લાખની મર્યાદામાં, બે માંથી જે ઓછુ હોય તે સહાય આપવામાં આવશે એમ મંત્રીએ જણાવ્યું હતું. આમ, વાહતુક સહાય માટે પ્રાથમિક અંદાજિત રૂ.20 કરોડ રકમની સહાય કરવામાં આવશે.
રાજ્યના બટાટા ઉત્પાદન કરતા ખેડૂતોને સહાય અંતર્ગત મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના બટાટા ઉત્પાદન કરતા ખેડૂતો કોલ્ડ સ્ટોરેજમાં માત્ર ખાવા માટેના બટાટા (ટેબલ પર્પઝ) સંગ્રહ કરે તો પ્રતિ કિલો રૂ. 1 લેખે ખેડૂતને એક કટ્ટા દીઠ રૂ.50અને વધારેમાં વધારે 600 કટ્ટા (300 કિવન્ટલ)ની મર્યાદામાં આર્થિક સહાય તા. 1-2-2023 થી તા.31-3-2024 સુધીમાં કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરવામાં આવે તો સહાય આપવામાં આવશે.આ સહાય માટે પ્રાથમિક અંદાજિત રૂ.200 કરોડ રકમની સહાય કરવામાં આવશે.
રાજ્યના એ.પી.એમ.સી.માં બટાટા વેચનાર ખેડૂતને સહાય અંગે મંત્રીએ માહિતી આપી હતી કે, રાજ્યના એ.પી.એમ.સી.માં બટાટા વેચનાર ખેડૂતને એક કટ્ટા દીઠ રૂ. 50 એટલે કે એક કિલોગ્રામ એ રૂ.1અને વધારેમાં વધારે ખેડૂત દીઠ 600 કટ્ટા (300કિવન્ટલ) ની મર્યાદામાં આર્થિક સહાય તા.1-2-2023 થી તા.31-3-2023 સુધીના સમયગાળા માટે આપવામાં આવશે. આ સહાય માટે પ્રાથમિક અંદાજિત રૂ.20 કરોડ રકમની સહાય આપવામાં આવશે. આ પેકેજની જાહેરાત કરવા માટે મુખ્યમંત્રી અને નાણામંત્રીનો ખેડૂતો વતી કૃષિમંત્રીએ આભાર માન્યો હતો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.