હોસ્પિટલમાં હંગામો:જી.જી. કોવિડ હોસ્પિટલમાં ટોળાએ કાયદો હાથમાં લીધો, પોલીસ અને સિક્યુરિટી પર પથ્થરમારો કરતા પોલીસ ફરિયાદ

જામનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓક્સિજન ટેંક ઉપર પથ્થરોના ઘા કરી ટોળાના માણસોએ સરકારી મીલકતને નુકસાન કર્યું

જામનગરમાં જી.જી. કોવિડ હોસ્પિટલમાં 19 નંબરની બિલ્ડીંગ બહાર સફાઈકર્મીઓ વચ્ચે થયેલી બોલાચાલી બાદ પોલીસે દરમિયાનગીરી કરતા મામલો બીચકાયો હતો. અને ટોળાએ પોલીસકર્મીઓ પર હુમલો કરી ફરજમાં રુકાવટ કરતા સનસનાટી મચી ગઈ હતી. આ ઘટનાને પગલે એસપી અને એએસપી સહિતનો કાફલો પહોચ્યો હતો. પોલીસે ટોળા સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દશથી પંદર જેટલા અજાણ્યા માણસોએ હુમલો કર્યો

જામનગરમાં જી.જી હોસ્પિટલ કોવિડ 19 બિલ્ડીંગ સામે ગઈકાલે બપોરે બે વાગ્યે સફાઈ કર્મીઓ વચ્ચે ટીફીન બાબતે અંદરો અંદર બોલાચાલી થઇ હતી. દરમિયાન હાજર પોલીસે આ બાબતે દરમિયાનગીરી કરી મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે ટોળાએ પોલીસ પર હુમલો કર્યો હતો. જેમાં સાગરભાઇ દીનેશભાઇ સોલંકી, આનંદ મગનભાઇ રાઠોડ, મુકેશ દીનેશભાઇ સોલંકી, આકાશ સોમાભાઇ સોલંકી, બીપીન રામજીભાઇ સોલંકી તેમજ બીજા દશથી પંદર જેટલા અજાણ્યા માણસોએ પોલીસકર્મીઓ પર તેમજ કોવિડ બિલ્ડીંગ તેમજ ઓક્સિજન ટેંક ઉપર પથ્થરોના ઘા કરી ટોળાના માણસોએ સરકારી મીલકતને નુકસાન કર્યું હતું.

આરોપીઓની ધરપકડ કરવા પોલીસે તપાસ હાથ ધરી

આ બનાવ અંગે રેખાબેન દીનેશભાઇ મેઘાભાઇ દાફડાએ તમામ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોતાની પર આરોપીઓએ અભદ્ર વર્તન કરી નિર્લજ હુમલો કર્યો હોવાનો આરોપ લાગાવ્યો છે. આ બનાવના પગલે એસપી દીપન ભદ્રન, એએસપી નીતેશ પાંડે તેમજ એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલ પહોચ્યો હતો. અને સ્થિતિ પર નીયંત્રણ મેળવ્યું હતું. આ બનાવ અંગે આરોપીઓની ધરપકડ કરવા સીટી બી ડીવીજન પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...