તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક્સક્લૂઝિવ:જામનગરની જી.જી. હોસ્પિટલમાં મહિલા કર્મી તેના બોયફ્રેન્ડ સાથે એક કલાક કસરત રૂમમાં પુરાતાં દેકારો મચ્યો

જામનગર11 દિવસ પહેલા
કસરત વિભાગમાં કામ કરતી મહિલા કર્મચારીએ તેના પુરુષ મિત્રને રવિવારના દિવસે બોલાવી વોર્ડના દરવાજા બંધ કરી દીધા હતા.
  • આબરૂ જવાની બીકે યુવતીને તાત્કાલિક નોકરી પરથી છૂટી કરી દેવાઈ!
  • પુરુષ મિત્રને રવિવારે બોલાવી વોર્ડના દરવાજા બંધ કર્યા, બંનેને RMO પાસે લઈ જવાયા

જામનગરની જી.જી. હોસ્પિટલમાં છાશવારે વિવાદો થતા જ રહે છે, અનેક વિવાદોથી ઘેરાયેલી હોસ્પિટલમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે, જેમાં કસરત વિભાગમાં કામ કરતી મહિલા કર્મચારીએ તેના પુરુષ મિત્રને રવિવારના દિવસે બોલાવી વોર્ડના દરવાજા બંધ કરી દેતાં એક કલાક સુધી સિક્યોરિટીને તેને ખોલાવવા માટે પરસેવો વળી ગયો હતો. દરવાજો ખોલ્યા બાદ આખું પ્રકરણ હોસ્પિટલ તંત્ર પાસે પહોંચતાં તાત્કાલિક આબરૂ જવાની બીકે યુવતીને નોકરીમાંથી છૂટી કરી દેવામાં આવી હતી અને પ્રકરણ પર ઠંડું પાણી રેડી દેવામાં આવ્યું હતું.

જામનગરની જી.જી. હોસ્પિટલમાં વર્ષો પહેલા જે સ્થિતિ હતી એ તાદૃશ કરતો બનાવ જી.જી. હોસ્પિટલમાં રવિવારના દિવસે બનતાં હોસ્પિટલ તંત્રમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. રવિવારે જી.જી. હોસ્પિટલના ઈમર્જન્સી સિવાયના મોટા ભાગની ઓપીડી બંધ રહે છે તેમજ 12 નંબર તરીકે ઓળખાતા કસરત વિભાગ પણ બંધ રહે છે, પરંતુ રવિવારના સવારે 11 કલાકે કસરત વિભાગમાં કામ કરતી કોન્ટ્રેક્ટ બેઝ યુવતીએ તેના પુરુષ મિત્રને 12 નંબરના રૂમમાં બોલાવીને દરવાજા બંધ કર્યા હતા, જે ત્યાંથી પસાર થતા એક્સ આર્મી, સિક્યોરિટીમેનની નજરમાં આવી જતાં તેણે તપાસ કરવા દરવાજા ખખડાવ્યા હતા, પરંતુ કોઈએ દરવાજો ખોલ્યો ન હતો.

શંકા જતાં સિક્યોરિટી ત્યાં જ ઊભી રહી. બપોરે સાડાબાર વાગ્યાના સુમારે દરવાજા ખૂલતાં એમાંથી યુવક અને યુવતી બહાર નીકળતાં સિક્યોરિટીએ પૂછપરછ કરતાં સંતોષકારક જવાબ આપી ન શકતાં તેમને આરએમઓ ઓફિસ લઈ જવામાં આવ્યાં હતાં, જ્યાં બંનેનાં નામ-સરનામા નોંધી જવા દેવામાં આવ્યાં હતાં અને ફરી સોમવારે સવારે બોલાવવામાં આવ્યાં હતાં. એ દરમિયાન રૂમના ઈન્ચાર્જને પણ હાજર રાખવામાં આવ્યા હતા, તમામનાં નિવેદનો અને પૂછપરછ બાદ હોસ્પિટલની આબરૂ ન જાય એ માટે કોન્ટ્રેક્ટ પર રહેલી યુવતીને તાત્કાલિક છૂટી કરી દેવામાં આવી હતી અને આખા પ્રકરણ પર પડદો પાડી દેવામાં આવ્યો હતો, પરંતુ છાના ખૂણે રૂમમાં પુરાયેલાં યુવતી અને યુવકના બનાવના સમાચાર વાયુવેગે ફરી વળતાં હોસ્પિટલ તંત્રમાં થતાં ભારે ચકચાર મચી જવા પામી છે.

યુવતીને છૂટી કરી દેવાઈ છે: RMO
જામનગરની જી.જી. હોસ્પિટલના RMO પી.આર. ભૂવાએ જણાવ્યું હતું કે રવિવારના દિવસે 12 નંબરના કસરત વિભાગમાં યુવક અને યુવતી રૂમ બંધ કરી અંદર હોવાના બનાવ અંગે સિક્યોરિટીની ફરિયાદ પરથી તપાસ કરી હતી અને એમાં બધાની પૂછપરછ કરીને રૂમમાં પુરાયેલી કોન્ટ્રેક્ટ બેઝની કર્મચારી એવી યુવતીને નોકરી પરથી છૂટી કરી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...