જામનગરના કાલાવડ ગેઇટ બહારના વિસ્તારમાં સીટી એ પોલીસે એક એપાર્ટમેન્ટના ફલેટમાં દરોડો પાડી જુગાર રમતા સાત શખસોને પકડી પાડી રોકડ રકમ,આઠ મોબાઇલ અને પાંચ વાહનો સહિત રૂ. 3.21 લાખની માલમતા કબજે કરી હતી.આ દરોડાના પગલે ક્ષણિક અફડા તફડી મચી જવા પામી હતી.
પોલીસે પકડાયેલા તમામ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર શહેરમાં સીટી એ પોલીસની ટીમ નાઇટ પેટ્રોલિંગ કરી રહી હતી જે વેળાએ કાલાવડ ગેઇટ બહાર ગેલેકસી પાર્ક વિસ્તારમાં એક એપાર્ટમેન્ટના ફલેટમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગાર ચાલતો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે અલમદાર એપાર્ટમેન્ટમાં બીજા માળે અલીઅસગર હુજેફાભાઇ ધાબરીયાના કબજાના મકાનમાં દરોડો પાડયો હતો.જે દરોડા વેળા સાતેક શખસો ગંજીપાના કુટતા માલુમ પડયા હતા.
આથી પોલીસે મકાનધારક અલીઅસગર ધાબરીયા ઉપરાંત અન્ય હુસેન સાજીદભાઇ લાકડાવાલા, હાતીમ ઈકબાલભાઇ અત્તરવાલા, ઈસ્માઈલ હમઝાભાઈ પારેખ, મુસ્તફા હુસેનભાઇ પથારી, અબ્બાસ મુરતુઝાભાઇ ગાંધી અને બુરહાન મુરતુઝાભાઇ રંગવાલાને પકડી પાડયા હતા. પોલીસે સ્થળ પરથી રૂ.15,300ની રોકડ અને આઠ મોબાઇલ ફોન તેમજ પાંચ બાઇક સહિત રૂ.3.21 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. આ દરોડાના પગલે ક્ષણીક અફડા તફડી સાથે દોડધામ મચી જવા પામી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.