કાળિયા ઠાકોરના અલૌકિક દર્શન:આજથી ભગવાન દ્વારકાધીશને પુષ્પ અને ચંદનના વાઘાનો શૃંગાર કરાશે, ઠંડા ભોગ અર્પણ કરવામાં આવશે

જામનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભગવાનને ગરમી લાગતી હોય તેવા ભાવ સાથે ગરમી ન લાગે તે માટે પુષ્પ શૃંગાર કરાશે

હાલ ઉનાળાનો તાપ હરકોઈને તપાવી રહ્યો છે. ત્યારે ભગવાનને પણ ગરમી લગતી હોય, તેવા ભાવ સાથે જગત મંદિર દ્વારકામાં રાજાધીરાજને ગરમી ન લાગે તે માટે પુષ્પ શૃંગાર કરવામાં આવી રહ્યો છે. તેના દર્શનનો લાભ ભાવિકો લઇ રહ્યા છે. અક્ષય તૃતીયાએ ચંદન વાઘાના દર્શન કરવા માટે ભાવિકો ઉમટ્યા હતા.

અક્ષય તૃતીયાથી લઈને અષાઢ સુદ એકમ સુધી બે માસ દરમિયાન દ્વારકાધીશ જગત મંદિરમાં રાજાધીરાજને ફૂલોના વસ્ત્રો બનાવી પૂજારી પરિવાર દ્વારા લાડ લડાવવામાં આવે છે અને ભગવાનને ચંદનનો લેપ લગાવી ખાસ શૃંગાર કરવામાં આવ્યા હતા. દ્વારકાધીશને ગરમી ન લાગે તે રીતે તેમના શૃગાર કરવામાં આવે છે. પુષ્પ શૃંગારના દર્શન કરી ભાવિકો ધન્યતા અનુભવશે.

દરરોજ બપોરે એક થી પાંચ વાગ્યા સુધી પુજારી- વૈષ્ણવો અને બ્રાહ્મણો ભગવાનના વસ્ત્રો બનાવવાની ભગીરથ કાર્ય કરતા હોય છે.આ વસ્ત્રો બનાવવા બદામના પાંદડા પર ચમેલી, જુઈ, મોગરો, ગુલાબ વગેરેના ફૂલોની કલીઓથી ભગવાનના વાઘા એટલે કે વસ્ત્રોને સજાવવામાં આવે છે અને સાંજે ભગવાન કાળિયા ઠાકોરને અંગીકાર કરાવવામાં આવે છે. વિવિધ ફૂલોની કલીઓથી ભગવાનના શૃંગારના મનમોહક દર્શન કરી ભાવિકો રસ તરબોળ બને છે. સમગ્ર બે માસ સુધી ભગવાન ભારે વસ્ત્રો અંગીકાર કરતા નથી તથા સોના ચાંદીના આભૂષણો પહેરાવવામાં આવતા નથી. સોના ચાંદી બદલે પુષ્પોના વસ્ત્રો, આભૂષણો ભગવાનને અંગીકાર કરાવવામાં આવે છે. ભગવાનના વસ્ત્રો ઉપરાંત ગળામાં કંઠ પાટી, મસ્તકમાં અલ્કાવડી, કાનમાં કુંડળ, હાથમાં બાજુબંધ, હાર, મસ્તકમાં સીશફૂલ વગેરે ઉપરાંત ભગવાનના પાર્ષદો શંખ, ચક્ર, ગદા, પદમ પણ પુષ્પોથી જ શણગારવામાં આવે છે. આ રીતે ભગવાન રાજાધિરાજને શીતલતા મળે તે માટે શૃંગાર કરવામાં આવે છે અને આ શૃગારદર્શનનો લાભ ભાવિકો દર્શનાર્થીઓ ઓ લઇ ભાવવિભોર થતા જોવા મળે છે.

ચંદન બેંગ્લોરના મલ્યાગીરીથી ખાસ મંગાવવામાં આવે છે. દરરોજ પાંચ કીલો જેટલા ફૂલો ખંભાળીયા, જામનગર, રાજકોટ સહિતના શહેરો માંથી તાજા જ મંગાવી શૃંગાર કરવામાં આવે છે. આ સિલસિલો બે માસ ચાલે છે. આ પુષ્પ શૃંગાર માટે દરરોજ પૂજારી પરિવારની મહિલાઓ પૂજારીઓ, વૈષ્ણવો આ કામ કરવા તલપાપડ હોય છે. અને પોતાના હાથો વડે બનાવાયેલ વસ્ત્રો શ્રીજીના અંગીકાર કરાવવામાં આવતા હોય છે. ત્યારે આનંદની અનુભુતી લાગણીઓ આવ્યા સિવાય રહેતી નથી હોતી તેમ જણાવવામાં આવ્યું છે. દ્વારકાધીશ ભગવાન હજરા હજૂર છે ત્યારે અહી આવતા અનેક લોકોની ઈચ્છાઓ ભગવાન પૂર્ણ કરતા હોય છે ત્યારે ભગવાનને આખો ઉનાળો ગરમી ન લાગે અને તેમના શરીર ને ઠંડક મળી રહે તેવા ભાવથી આ પુષ્પ શૃંગારનો અલભ્ય લાભ અને અલભ્ય દર્શન નો લાભ ભાવિકો લેતા હોય છે. આકરા તાપમાં ફૂલો અને સુગંધિત દ્રવ્યોનો પણ ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. ગરમીની ઋતુથી બચવા અને શીતળતા પ્રદાન કરવા શ્રીજીને ઠંડા ભોગ એટલે કે મુરબ્બાનું અથાણું, કેરી તથા અન્ય સામગ્રીથી બનાવેલ ગરમાળું, શીખંડ, ખારી મગની દાળ, ચણાની મીઠી દાળ આ પ્રકારના ઠંડા ભોગ અર્પણ કરવામાં આવે છે. આ દિવસે સામાન્ય સંજોગોમાં હિન્દુ સમાજના લોકો માટે અતિ શુભ હોય ગણાય છે. વાસ્તુપૂજા, લગ્નવિધિ, ગૃહપ્રવેશ વગેરે શુભ કાર્યો કરવા માટે ઉત્તમ દિન સમગ્ર દિવસ દરમ્યાન કોઈપણ શુભકાર્ય થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...