લાલપુર તાલુકનાના ખટિયા-બેરાજા ગામ નજીક મોટાપાયે વીજ ચોરી થતી હોવાની બાતમી મળતા વીજકંપનીની વડોદરા અને જામનગરની 8 ચેકિંગ ટીમે જીયુવીએનએલ પોલીસ સાથે ચેકિંગ હાથ ધર્યું હતુ. જેમાં ભરડિયા અને સ્ટોન ક્રશરમાંથી રૂ. 1 કરોડ 42 લાખની વિજ ચોરી ઝડપાઈ હતી.
લાલપુર પંથકમાં બે ભરડીયામાં મોટા પાયે વીજ ચોરી થતી હોવાની બાતમી વીજતંત્રને મળી હતી. જેના આધારે બુધવારે ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ વડોદરાના વિજિલન્સ વિભાગ અને જામનગરની 8 ચેકીંગ ટુકડી દ્વારા જામનગર વર્તુળ કચેરી હેઠળ પેટા વિભાગીય કચેરી વિસ્તારના ખટિયા-બેરાજા ગામ નજીક આવેલા બે ભરડીયામાં જીયુવીએનએલ પોલીસને સાથે રાખી ચેકિંગ હાથ ધર્યું હતુ.
આ દરમિયાન જયેન્દ્રસિંહ ભીખુભા જાડેજા નામના વ્યક્તિ દ્વારા પોતાના ભરડિયામાં ગેરકાયદે રીતે વીજ જોડાણ મેળવી ચોરી કરતા હોવાનું ખૂલ્યું હતું. આથી તેને રૂ. 32,36,224નું દંડનીય બીલ ફટકારી વીજ કંપનીના નિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
ઉપરાંત તે જ વિસ્તારમાં આવેલા મહિપતસિંહ જાડેજાના દેવીકૃપા સ્ટોન ક્રશર નામના ભરડીયામાં મોટાપાયે વિજ ચોરી થતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આ સ્થળે વીજ મીટર લેવાયું હતું. તેમ છતાં બહારથી લંગરીયું નાખી વિજ જોડાણ મેળવીને વિજ ચોરી કરાતી હોવાનું ખૂલતા રૂ. 1,10,34,712ની વીજ ચોરીનું બિલ ફટકારવામાં આવ્યું હતું.
જાલીયા માનસરથી પણ 10 લાખની વીજચોરી ઝડપાઈ’તી
હાલારમાં થતી વીજ ચોરીને ડામવા વીજતંત્ર દ્વારા છાશવારે શહેર-જિલ્લામાં ચેકિંગ હાથ ધરવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ અવારનવાર દરોડા પાડવામાં આવતા હોય છે. જે અંતર્ગત 23 ફેબ્રુઆરીના ધ્રોલ તાલુકાના જાલિયા - માનસર ગામમાં આવેલા પાણીના આરો પ્લાન્ટમાં મળેલી બાતમીના આધારે ચાર ચેકિંગ ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.
જેમાં લો-ટેન્શન લાઇન પરથી સીધું જોડાણ કરી ગેરકાયદેસર રીતે 9.618 કિલો વોટ વીજ વપરાશ થઇ રહ્યું હોવાનું ખુલ્યું હતું. આથી આસામીને રૂ. 10લાખનું દંડનીય બિલ ફટકારવામાં આવ્યું હતું. વીજ તંત્ર દ્વારા વ્યાપક ચેકીંગ દરમિયાન ઠેકઠેકાણેથી લાખોની વીજચોરી ઝડપાઈ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.