જામનગરના સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ અને તેના સાગરીતો સામે નોંધાયેલા ગુજસીટોક અંગેના પ્રકરણમાં પોલીસ તંત્ર દ્વારા સમયાંતરે કેટલીક મિલકતોને ટાંચમાં લેવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આજે પટેલ પાર્ક વિસ્તારમાં આવેલા ચાર ટેનામેન્ટની મિલકતોને ટાંચમા લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતાં દોડધામ મચી હતી.
આ જગ્યા જયેશ પટેલ અને તેના સાગરીતોની હોવાનું ધ્યાને આવ્યું
પટેલ પાર્ક વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્તની વચ્ચે મિલકતોને સીલ કરી દેવામાં આવી છે. જામનગરના કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ અને તેના સાગરીતો સામે સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ગુજસીટોક અંગેનો ગુનો નોંધવામાં આવ્યો હતો, જે ગુનાના અનુસંધાને તંત્ર દ્વારા કેટલીક મિલકતોને સીલ કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે જામનગરમાં લાલ બાયપાસ રોડ પર પટેલ પાર્ક વિસ્તારમાં રેવન્યુ સર્વે નંબર 1084માં આવેલા પ્લોટ નંબર 62,63,64,65 કે જેમાં હાલ 4 ટેનામેન્ટ બનાવી લેવામાં આવ્યાં છે, જેની પ્રત્યેકની કિંમતો 30થી 35 લાખની ગણાય છે જે ચાર ટેનામેન્ટ વાળી જગ્યા જયેશ પટેલ અને તેના સાગરીતોની માલિકી હોવાનું પોલીસ તંત્રને ધ્યાનમાં આવ્યું હતું.
નોટિસ ફટકારી ચારેય મિલકતોને ટાંચમાં લીધી
જેથી ઉપરોક્ત ચારેય ટેનામેન્ટના હાલના સંચાલક વ્યવસ્થાપક વગેરેને પોલીસ તંત્ર દ્વારા નોટિસ પાઠવી દેવામાં આવી હતી. ત્યારબાદ આજરોજ સમગ્ર કેસ બાબતે તપાસ ચલાવી રહેલા જામનગર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક વણ વસાવા વિશાળ પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઉપરોક્ત ચારેય ટેનામેન્ટ વાળી મિલકતની જગ્યામાં સરકારી નોટિસ ફટકારી દીધી હતી અને ચારેય મિલકતોને ટાંચમાં લઈ લેવામાં આવી હતી. જેથી શહેરમાં ભારે હડકંપ મચી ગયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.