જામનગરમાં 7 વર્ષ પહેલાં યુવાનને સાસરિયાઓ દ્વારા જીવતા સળગાવી દઈ હત્યા નિપજાવવાના ચકચારી કેસમાં મરણજનારની પત્ની, સાસુ સહિત 4ને અદાલતે આજીવન કેદની સજા ફટકારી છે. લાલપુર તાલુકાના શાપર-નવાગામમાં રહેતા જશુભા શિવુભા ચુડાસમા ગત તા.6-11-2015ના પોતાના પુત્ર સાથે બહાર ગયા હતા અને ઘરે પરત ફરતા હતા ત્યારે તેના પત્ની જયશ્રીબેન, સાસુ નંદુબા અને સાઢુભાઈ વિક્કીભાઈ પોતાના ઘરમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતા. તેમને પૂછતા તેઓ ક્યાં જાય છે તો તેઓએ કોઈ જવાબ આપ્યો ન હતો અને નીકળી ગયા હતા.
દરમિયાન શહેરમાં રહેતા સાસરિયાં પાસે જશુભા પહોંચી ગયા હતા અને લગ્નને 18 વર્ષ થઈ ગયા છે, હવે શું વાંધો છે તેમ કહેતા ઉશ્કેરાયેલા સાસરિયાઓએ જશુભાને બૂટ-ચપ્પલથી માર માર્યો હતો અને ઓસરીમાં પછાડી દીધા હતા. ત્યારપછી પત્ની જયશ્રીબા, સાસુ નંદુબા, સાઢુભાઈ વિક્કીભાઈ, વિક્કીભાઈની પત્ની ટમુબાએ એકસંપ કરી જશુભા ઉપર કેરોસીન છાંટી તેને જીવતા સળગાવી દીધા હતા.
જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ઉપરાંત એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ મરણોન્મુખ નિવેદન આપ્યું હતું જે પછી તેનું મૃત્યુ થતાં બનાવ હત્યામાં પલટાયો હતો. આ કેસ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલની દલીલો ધ્યાને લઈ ચારેયને આજીવન કેદ ફટકારાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.