જામનગર શહેર અને જિલ્લામાં જિલ્લા પોલીસ વડા દ્વારા વ્યાજખોરો સામે શરૂ કરાયેલી ઝુંબેશમાં બહોળો પ્રતિસાદ સાંપડયો છે. એક પછી એક વ્યાજખોરો વિરૂદ્ધ ફરિયાદો આવતી જાય છે. જામનગરની સાથે સાથે સમગ્ર રાજ્યમાં આ ઝુંબેશને કારણે વ્યાજખોરો ભૂગર્ભમાં જતાં રહ્યાં છે. પ્રજા સમક્ષ આવેલી પોલીસને વ્યાજના ચુંગલમાં ફસાયેલા લોકો દ્વારા વ્યાપક ફરિયાદો મળી રહી છે. જામનગર શહેરમાં જ એક જ દિવસમાં ચાર ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે પોલીસે વ્યાજખોરીનું દૂષણ ડામવા તપાસના ચક્રો ગતિમાન કરી દીધા છે.
જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા શહેર અને જિલ્લામાં વ્યાજખોરીનું દૂષણ ડામવા માટે જુદાં-જુદાં વિસ્તારોમાં લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત શહેરના વિસ્તારોમાં રીક્ષા ફેરવી પ્રચાર-પ્રસાર કરી વ્યાજખોરો સામેની જંગમાં લોકોને બેખોફ બની ફરિયાદ કરવા આગળ આવવા અપીલ કરવામાં આવી રહી છે. પોલીસની આ ઝુંબેશમાં મંગળવારે એક જ દિવસમાં ચાર પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વાણંદ કામ કરતા બાબુ ટપુભાઈ રાઠોડ નામના પ્રૌઢે દિવ્યમ પાર્ક વિસ્તારમાં શિવ પ્લાઝામાં રહેતાં ઘનશ્યામ મોહનભાઈ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે. નોંધાવેલી ફરિયાદની વિગત મુજબ, ઘનશ્યામે 3.5% થી 20% જેટલા ઊંચા વ્યાજે ચાર લાખની રકમ આપી હતી. જેના બદલામાં એડવાન્સ વ્યાજના 50 હજાર રૂપિયા તથા 2.50 લાખની એક દુકાન તેમજ પત્નીના નામે મકાનની 18 લાખની લોન અને સબસિડીના 2.71 લાખ તથા મુદ્દલના વ્યાજપેટે 3.80 લાખ મળી કુલ 27 લાખ 51 હજારની રકમ પડાવી લીધી હતી.
તેમજ વ્યાજખોર ઘનશ્યામ દ્વારા સંજય શાંતિલાલ પાસેથી વ્યાજના 7500 રૂપિયા અને 6 લાખ રૂપિયા પડાવવા માટે સુરેન્દ્રનગરની કોર્ટમાં ચેક રિટર્નનો કેસ કર્યો હતો. ઉપરાંત કેશુ ભનુભાઈ રાઠોડના પુત્ર ચિરાગે 3 લાખ રૂપિયા વ્યાજે લીધા હતાં. તેના બદલામાં 2 લાખ રૂપિયા રોકડા અને 16 લાખ રૂપિયાની કિંમતનું મકાન તથા 5.80 લાખની કિંમતની દુકાન તેમજ 8 લાખનું મકાન મળી કુલ 31 લાખ 80 હજાર પડાવી લીધા હતાં. આ ઉપરાંત કરશન વારોતરિયા પાસેથી ઘનશ્યામ વ્યાજખોરે રૂા.45,00,000 ના બદલામાં વ્યાજના રૂા.25,00,000 અને રૂા.15,00,000 ની કિંમતની ત્રણ દુકાનો તેમજ જુદી જુદી બેંકના સાત થી આઠ ચેક પડાવી લીધા હતાં. આમ ઘનશ્યામ વ્યાજખોર દ્વારા ચાર વ્યક્તિઓ પાસેથી વ્યાજની વસૂલાત બળજબરીથી બેંકના કોરા ચેક લખાવી મકાન-દુકાનો પચાવી પાડી છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી માત્ર ચાર વ્યક્તિઓ પાસેથી બળબજરીપૂર્વક કુલ 1 કરોડ 5 લાખ 31 હજાર રકમ અને મિલકત પચાવી પાડી હોવાની ફરિયાદના આધારે પીએસઆઈ વી.એ. પરમાર તથા સ્ટાફે તપાસ આરંભી હતી.
.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.