ટેસ્ટ ઓફ ગુજરાતસૂકી કચોરી તો જામનગરની જ, હોં....:પહેલીવાર જાણો જૈન વિજયની કચોરીની 45 વર્ષ જૂની 'સિક્રેટ ફોર્મ્યુલા', પેકિંગની એવી કમાલ કે 5 મહિના સુધી ખાઈ શકો!

જામનગર2 મહિનો પહેલાલેખક: હિરેન હિરપરા

સૂકી કચોરીની વાત કરીએ તો જામનગરની જૈન વિજયની કચોરીનું નામ લીધા વિના ચાલે નહીં. મોંમાં પાણી લાવી દેનારી આ નાનકડી ગોળ કચોરીમાં વર્ષોથી જામનગરની જૈન વિજય કચોરીએ આગવું સ્થાન જાળવ્યું છે. યુકે, યુએસએ, ઓસ્ટ્રેલિયા સહિત દેશ-દુનિયામાં જૈન વિજયની કચોરી ફેમસ છે. તેની પાછળનું કારણ છે કે 45 વર્ષથી એકધારો જ ટેસ્ટ. આ કચોરીના પેકિંગની જ કમાલ એવી છે કે પાંચ મહિના પછી પણ તમે ખાઈ શકો. દિવ્ય ભાસ્કર પહેલી વખત જૈન વિજયની કચોરી કેવી રીતે બને છે અને શું છે રેસિપી તેના વીડિયો સાથેની માહિતી લઈને આવ્યું છે.

કાંતિલાલ પઢિયારે કરી હતી કચોરીની શરૂઆત
પ્રખ્યાત જૈન વિજય ફરસાણ માર્ટની શરૂઆત કાંતિલાલ પઢિયારે 1979માં કરી હતી. બાદમાં તેમના દીકરાઓએ ધંધો સંભાળ્યો અને આજે ત્રીજી પેઢી કચોરીનો બિઝનેસ સંભાળી રહી છે. કાંતિલાલના પૌત્ર સુમિત પઢિયારે જણાવ્યું હતું કે, 45 વર્ષ પહેલાં મારા દાદા કાંતિલાલે ફરસાણની દુકાનની સાથેસાથે કચોરી બનાવવાનું શરૂ કર્યું હતું. મારા દાદા કચોરીની સાથે અલગ અલગ ફરસાણ બનાવતા હતા. પરંતુ તેમની કચોરી એવી તો ફેમસ થઈ કે આજે દુનિયામાં તેમનું નામ અમર થઈ ગયું.

મીઠાઈ સાથે ડ્રાયફ્રુટ સૂકી કચોરીનું કોમ્બિનેશન
સુમિતે વધુમાં જણાવ્યું હતું કે, જામનગરમાં શરૂ થયેલી કચોરી શહેર પૂરતી જ સીમિત ન રહી અને સીમાડા ઓળંગી ગુજરાત, દેશ અને વિદેશમાં પણ પહોંચી છે. દિવાળીના તહેવારમાં અલગ અલગ રાજ્યો તેમજ વિદેશમાંથી પણ મીઠાઈ અને ફરસાણ સાથે ખાસ ડ્રાયફ્રૂટ કચોરી ખાવાની પરંપરા શરૂ થઈ છે. જેને કારણે દિવાળીના તહેવારમાં મીઠાઈ, ફરસાણ અને ખાસ ડ્રાયફ્રુટ કચોરી દેશ-વિદેશમાં પ્રખ્યાત થઈ છે. ગ્રાહકો મોટા પ્રમાણમાં અલગ અલગ રાજ્ય સહિત વિદેશમાં પણ કચોરી મોકલાવે છે. દિવાળી જેવા તહેવારમાં તો કચોરી ખરીદવા માટે લોકોની મોટી લાઈનો લાગે છે.

આટલી વસ્તુઓ હોય તો સૂકી કચોરી બને
જામનગરની પ્રખ્યાત કચોરી બનાવવા માટે ખાસ વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં ભાવનગરી ગાંઠિયાનો ભૂકો, ખાંડ અને અન્ય ખાદ્ય વસ્તુઓનો મસાલો બનાવવામાં ઉપયોગ થાય છે. જૈન વિજય કચોરીમાં બે પ્રકારની કચોરી બને છે. જેમાં એક સાદી અને બીજી ડ્રાયફ્રૂટ કચોરી. સાદી કચોરી માત્ર મસાલાથી જ બને છે. જ્યારે ડ્રાયફૂટ કચોરીમાં કાજુ, બદામ, પિસ્તા અને સૂકી દ્રાક્ષનો વિશેષ ઉપયોગ કરવામાં આવે છે.

કચોરી બનાવવાની આવી છે રેસિપી!
સૌપ્રથમ લોટ દળીને એક સરખા પ્રમાણમાં ગોરણાં (નાના ગોળા) બનાવવામાં આવે છે, કચોરી માટેનો મસાલો પણ અહીં જ તૈયાર કરવામાં આવે છે. ગોળ-ગોળ ગોરણાં બન્યા બાદ તેમને ત્યાં કામ કરતા બહેનો દ્વારા લોટના ગોરણામાં મસાલો ભરવામાં આવે છે અને કચોરીનો શેપ આપી તેને તૈયાર કરવામાં આવે છે. જ્યારે કચોરી તૈયાર કર્યા પછી તેને સારામાં સારા ફૂડલાઇટ ઓઇલમાં તળવામાં આવે છે. તેને લગભગ 10થી 15 મિનિટ સુધી તળવામાં આવે છે અને ત્યારબાદ કચોરી તૈયાર થઇ જાય છે.

કચોરી બનાવતી વખતે સ્ટાફનું પૂરતું ધ્યાન રાખવામાં આવે છે.
કચોરી બનાવતી વખતે સ્ટાફનું પૂરતું ધ્યાન રાખવામાં આવે છે.

કચોરી ઠંડી પડે પછી પેકિંગ કરવામાં આવે
કચોરી તૈયાર થયા બાદ કચોરીનું પેકિંગ પણ ઓટોમેટિક મશીન દ્વારા કરવામાં આવે છે. સાદી કચોરીને પેકેટમાં સીધી પેક કરવામાં આવે છે અને તેના પેકેટ તૈયાર થઇ ગયા બાદ તેને મોટા બોક્સમાં પેક કરવામાં આવે છે. ડ્રાયફૂટ કચોરીને અલગ રીતે પેક કરવામાં આવે છે. ડ્રાયફૂટ કચોરીને થોડી ઠંડી થયા બાદ મશીન દ્વારા ફોઇલ પેપરમાં એક-એક નંગ પેક કરવામાં આવે છે અને ત્યારબાદ બીજા મશીન દ્વારા તેને ડબ્બામાં પેક કરવામાં આવે છે.

કચોરી મેકિંગમાં ઓટોમેટિક મશીનોનો ઉપયોગ
સુમિતે વધુમાં જણાવ્યું હતું કે, પહેલા મસાલો બનાવવામાં આવે છે, આ મસાલો ઓટોમેટિક મશીનમાં નાખવામાં આવે છે. જેમાંથી કચોરી માટેના એકસરખી સાઇઝનાં ગોરણાં થઈને બહાર નીકળે છે. ત્યારબાદ આ ગોરણા ઉપર મેંદાના લોટનું પડ ચડાવવામાં આવે છે. બાદમાં કચોરી તળવામાં આવે છે. ઠંડી થાય પછી ડબ્બામાં કચોરી ભરવામાં આવે છે અને પછી ઓટોમેટિક મશીનમાં પેક કરવામાં આવે છે, જેની વેલિડિટી 5 મહિનાની છે.

ઓટોમેટિક મશીનમાં જ કચોરીનો મસાલો બને છે
ઓટોમેટિક મશીનમાં જ કચોરીનો મસાલો બને છે

દાદાએ શરૂઆત કરી ત્યારે બધાને ટેસ્ટ કરાવતા
સુમિતે વધુમાં જણાવ્યું હતું કે, મારા દાદાએ કચોરી બનાવવાની શરૂઆત કરી ત્યારે બધાને ટેસ્ટ કરાવતા હતા. આથી ટેસ્ટ એકધારો થયો અને આજે એ જ ટેસ્ટ અમે જાળવી રાખ્યો છે. અત્યારે ઓલઓવર ઇન્ડિયામાં અને વિદેશમાં કચોરી જાય છે. દુબઈ, આફ્રિકા, સિંગાપોર અને કેનેડા આ ચાર દેશમાં ઓનલાઈન શોપમાં કચોરી જાય છે. મારી કચોરી કરતાં વધારે મરીવાળા ગાંઠિયા, નાયલોન ચેવડો, ઘઉંનો ચેવડો સહિતની વસ્તુઓ પણ ફેમસ છે.

મેંદાનો લોટ ઓટોમેટિક મશીનથી બાંધવામાં આવે છે અને બાદમાં સ્ટાફ મસાલાનાં ગોરણાં પર તેનું પડ ચડાવે છે.
મેંદાનો લોટ ઓટોમેટિક મશીનથી બાંધવામાં આવે છે અને બાદમાં સ્ટાફ મસાલાનાં ગોરણાં પર તેનું પડ ચડાવે છે.

અન્ય વેરાઈટીની પણ વેલિડિટી ચાર મહિનાની છે
સુમિતે વધુમાં જણાવ્યું હતું કે, ફરસાણની બધી વેરાઈટીની પણ વેલિડિટી ચાર મહિનાની છે. જ્યારે કચોરીની વેલિડિટી પાંચ મહિનાની છે. પહેલેથી જ કચોરી બે પ્રકારની બનાવીએ છીએ જેમાં એક સાદી અને બીજી ડ્રાયફ્રૂટ કચોરી. સાદી કચોરીમાં ખાલી મસાલો જ હોય છે. જ્યારે ડ્રાયફ્રૂટ કચોરીની ખાસિયતમાં મસાલો તો સાદી કચોરીમાં આવે એ જ હોય છે પરંતુ આ ઉપરાંત ડ્રાયફ્રૂટ્સ હોય છે. જેમાં કાજુ, પિસ્તા, બદામ, કિસમિસનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...