ગુજરાતમાં પ્રથમ વખત પાયલોટ પ્રોજેકટ અંતર્ગત દ્રારકાના દરિછયામાં ઓખા-પોશીત્રાના કચ્છ ખાડી વિસ્તારમાં વૈજ્ઞાનિક રીતે ડોલ્ફીનની ગણતરી શરૂ કરવામાં આવી છે. પાયોલોટ પ્રોજેકટ અંતર્ગત જુદી-જુદી સંસ્થાના નિષ્ણાંતો, વનવિભાગના અધિકારીઓની 10 ટીમ 14 ડિસેમ્બર સુધી ગણતરીની કામગીરી કરશે.ડોલ્ફિન દરિયામાં મુકત રીતે વિચરતી પ્રજાતિ હોવાના કારણે તેનું સર્વેક્ષણ હાથ ધરવું એક જટિલ પ્રક્રિયા છે. આથી આજ સુધી સુનિયોજિત રીતે ડોલ્ફિન સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું ન હતું.
પ્રોજેકટ ડોલ્ફિન અન્વયે આ પ્રજાતિનું વધુ સારી રીતે સંરક્ષણ અને સંવર્ધન થઈ શકે તે હેતુથી બેઝ લાઈન ડેટા એકત્રિત કરવાના આશયથી પાઇલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. જે અન્વયે કચ્છના અખાતમાં આવેલા દ્વારકા આસપાસના વિસ્તારોમાં પ્રાથમિક સર્વેક્ષણ હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં જામનગર મરીન નેશનલ પાર્ક હેઠળના ઓખા તથા પોશીત્રાના કચ્છ ખાડી વિસ્તારમાં 10 ટીમ દ્વારા સોમવારથી ડોલ્ફીનની ગણતરી શરૂ કરવામાં આવી છે. પાયલેટ પ્રોજેક્ટના ધોરણે ડોલ્ફિન ગણતરીની કામગીરી 20 વર્ષથી વધુ સમયગાળા બાદ વૈજ્ઞાનિક રીતે ગુજરાતમાં પ્રથમ વખત હાથ ધરાઇ છે.
જે આગામી 14 ડિસેમ્બર સુધી ચાલશે. ડોલ્ફિન સર્વે-2022 માં જામનગર મરીન નેશનલ પાર્કના નેતૃત્વ હેઠળ વન વિભાગ તથા દેવભૂમિ દ્વારકા સામાજિક વનીકરણના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપરાંત વાઈલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડીયા, ઝૂલોજીકલ સર્વે ઓફ ઇન્ડીયા, સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિશીંગ ટેકનોલોજી, ડી.કે.વી. કોલેજ, વન્યપ્રાણી વિભાગનાં તથા વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ ઓફ ઈન્ડીયા જેવી સંસ્થાઓના વિષય નિષ્ણાતો ટીમમાં રહેશે.
આવી રીતે થશે ગણતરી; GPSથી દરિયામાં બાઉન્ડ્રી નક્કી કરાશે
દરિયામાં જીપીએસના આધારે બ્લોક બનાવી તેની બાઉન્ડ્રી નકકી કરાશે. બાઉન્ડ્રીની ટ્રાન્ઝેક લાઇન પર બોટ ફરશે. બોટમાં ટેકનીકલ નિષ્ણાંત, ટીમ લીડર અને બે ઓર્બ્ઝવર રહેશે. જે પૈકી ઓર્બ્ઝવર દૂરબીન દ્વારા ડોલ્ફીન જે દીશામાં દેખાશે તેના પોઇન્ટ નકકી કરશે. જયારે ટેકનીલક નિષ્ણાંતો તે કંઇ દીશામાં જોવા મળી તેની નોંધ કરશે.
ડોલ્ફીનની ફીનના આધારે નોંધ થશે
ઓખા-પોશીત્રાની કચ્છ ખાડી વિસ્તારમાં વનવિભાગના અધિકારીઓ અને નિષ્ણાંતો દ્વારા ડોલ્ફીનની ગણતરી શરૂ કરવામાં આવી છે. જેમાં ડોલ્ફીનની ફીન એટલે કે તેના શરીરનો ભાગ કે જે દરિયામાં બહાર દેખાતો હોય છે તેના આધારે તેની સંખ્યાની નોંધ કરવામાં આવશે. ગણતરીની સેકન્ડોમાં એક કરતા વધુ ફીન દેખાશે તો એકથી વધુ ડોલ્ફીન હશે તેમ નિષ્ણાંતોએ જણાવ્યું હતું.
ટેકનીકલ નિષ્ણાંત, વનવિભાગના 40 અધિકારીઓને તાલીમ અપાઇ
મીઠાપુરમાં રવિવારે ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના જામનગર મરીન નેશનલ પાર્ક દ્વારા તાલીમ કાર્યશાળા-સેમિનારનું આયોજન કરાયું હતું. નાયબ વન સંરક્ષક આર.શીથીલકુમારના અધ્યક્ષ સ્થાને યોજાયેલા સેમિનારમાં ટેકનીકલ નિષ્ણાંતો અને વનવિભાગના 40 અધિકારીઓને ડોલ્ફીન ગણતરીની તાલીમ આપવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.