સેવાકીય અને સામાજીક પ્રવૃત્તિ:જામનગરમાં સૌ પ્રથમ વખત સર્વ જ્ઞાતિની અનાથ દીકરીઓના રવિવારે સમૂહલગ્ન યોજાશે

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • તપોવન ફાઉન્ડેશન દ્વારા કન્યાદાન લગ્નોત્સવનું આયોજન : 16 દીકરીઓ પ્રભુતામાં પગલા માંડશે

જામનગર શહેરમાં તપોવન ફાઉન્ડેશન દ્વારા અનેકવિધ સેવાકીય અને સામાજીક પ્રવૃત્તિઓ થાય છે. પોતાની આ પ્રવૃત્તિઓમાં એક મોરપીંછ સમાન અનેરા સમુહ લગ્નું આયોજન તારીખ 17ને રવિવારના સાંજે 5 થી 10 દરમિયાન પ્રણામી સંસ્થાનું મેદાન, હિરજી મીસ્ત્રી રોડ ખાતે સંતો મહંતોની ઉપસ્થિતિમાં તેમના આશિર્વાદ સાથે તેમજ સામાજીક, રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું છે.

જામનગરમાં સૌ પ્રથમ વખત મા-બાપ વિહોણી તેમજ પિતા વિહોણી સર્વજ્ઞાતિની દિકરીઓના સમુહલગ્નનું આયોજન તપોવન ફાઉન્ડેશન દ્વારા કન્યાદાન લગ્નોત્સવ તરીકે થઇ રહ્યું છે. આ લગ્નોત્સવમાં અલગ અલગ જ્ઞાતિઓની 16 દિકરીઓ સમુહ લગ્ન દ્વારા પ્રભુતામાં પગલા માંડશે. આ કન્યાદાન લગ્નોત્સવમાં તપોવન ફાઉન્ડેશન આવી દિકરીઓના માતા-પિતાના કર્તવ્યભાવે સમૃદ્ધ કરીયાવર દરેક દિકરીઓને આપશે. આ પ્રસંગની વિશેષતા એ છે કે, દિકરી ન હોય તેવા માતા-પિતા 16 દિકરીઓનું કન્યાદાન કરશે.

કન્યાદાનની આ વિધિ અગાઉ લગ્નોત્સવની વિધિની શરૂઆતમાં દરેક કન્યાનું પૂજન સમાજની અલગ-અલગ વ્યકિતઓ કે દંપતિઓ દ્વારા કરાશે. લગ્નોત્સવની ખાસ વિશેષતા એ છે કે, હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ જેવી કે, લગ્ન લખવાની વિધિ, ગણેશ સ્થાપન, હસ્ત મેળાપ અને સત્તપદિના ફેરા સહિતની તમામ વિધિઓ વિદ્વાન પંડીતો દ્વારા કરાશે. ઉપરાંત દિકરીઓને મહેંદી અને બ્યુટી પાર્લરની વ્યવસ્થા પણ સંસ્થા દ્રારા કરાઇ છે.

સમુહ લગ્નમાં 16 વરરાજાઓનો વરઘોડો એક સાથે નીકળશે અને લગ્ન મંડપે પહોંચશે ઉપરાંત બહારગામથી આવતી જાનના સભ્યોને ઉતારાની, ભોજનની તેમજ વરરાજાને તેયાર કરવાની વ્યવસ્થા પણ સંસ્થા દ્વારા થનાર છે. તા. 14ના થનાર લગ્નોત્સવ સારી રીતે અને ભવ્ય થાય તે માટે લગભગ 180 કાર્યકર્તાની ટીમને કામે લગાડવામાં આવી છે અને કાર્ય વહેંચણી કરી કુલ 24 ટીમ બનાવવામાં આવી છે.

આ તમામ ટીમના સભ્ય કાર્યકર્તાઓ નિયમિત સંકલન કરી પોતાની ટીમનું કામ સારામાં સારી રીતે થાય તે માટે કાર્યરત છે. તમામ કાર્યનું સંકલન યોગ્ય રીતે કરવા માટે જામનગરમાં ઓશવાળ હોસ્પીટલ પાસે છેલ્લા લગભગ 21 દિવસથી કાર્યાલય શરૂ કરાયા છે. જયાંથી જામનગરની તમામ જ્ઞાતિઓ, સામાજીક સંગઠનો, સામાજીક રાજકીય આગેવાનો વગેરેને પણ આ લગ્નોત્સવના પૂણ્યકાર્યમાં સાક્ષી થવા માટે આમંત્રીત કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમમાં જુનાગઢના ભવનાથમાં આવેલ ગુરૂ ગોરક્ષનાથ આશ્રમના પ.પૂ. સદગુરૂ શેરનાથજીબાપુ નવદંપતિઓને આશિર્વાદ આપવા ઉપસ્થીત રહેશે. શહેરના મહંત દેવપ્રસાદ, આચાર્ય કૃષ્ણમણી ઉપસ્થીત રહી નવદંપતીઓને આશિર્વાદ આપશે. આ ઉપરાંત ગુજરાત વિધાનસભાના સ્પીકર નીમાબેન આચાર્ય, જામનગર જીલ્લાના પ્રભારી મંત્રી બ્રીજેશભાઇ મેરજા, મંત્રી રાઘવજીભાઇ પટેલ, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય આર. સી. ફળદુ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહજી જાડેજા તથા મેયર બીનાબેન કોઠારી ઉપસ્થિત રહેશે. સમુહ લગ્ન ગૌરવશાળી રીતે પૂર્ણ થાય તે માટે ફાઉન્ડેશનના ફાઉન્ડર રાજેનભાઇ જાની, ટ્રસ્ટી વસુબેન ત્રિવેદી, ટ્રસ્ટી પરેશભાઇ જાની સહિત કાર્યકર્તાઓની ટીમ જહેમત ઉઠાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...