સુવિધા:ઈ-FIR માટે દ્વારકા પોલીસ સજ્જ તપાસ માત્ર 30 જ દિ’માં પુરી કરાશે

ખંભાળિયા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાગરિકોને વિમાની રકમ ઝડપથી મેળવવામાં ફાયદારૂપ બની રહેશે

વાહનચોરી, મોબાઈલ ચોરી જેવા કિસ્સામાં ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા ન પડે તે હેતુસર કાર્યાન્વિત કરવામાં આવેલ ઇ-એફઆઈઆર સેવા પૂરી પાડવા દ્વારકા જીલા પોલીસ સજ્જ થઈ ગઈ છે. ગત શનિવારથી ઇ-એફઆઈઆરનો પ્રારંભ કરાયો છે. ડીવાયએસપી હિરેન્દ્ર ચોધરીના જણાવ્યા મુજબ ગૃહ વિભાગના સીટીઝન પોર્ટલ, સીટીઝન ફર્સ્ટ મોબાઈલ એપના માધ્યમથી કોઈ પણ નાગરિકને વાહનચોરી, મોબાઈલ ચોરીના કિસ્સામાં ઓનલાઈન એફઆઈઆરની સુવિધાનો પ્રારંભ કરાયો છે.

આ એફઆઈઆરની તપાસ અંગેની જાણકારી ફરિયાદીને એસએમએસથી આપવામાં આવશે અને એફઆઈઆરની કોપી પોર્ટલ પર ઉપલબ્ધ રહેશે. તપાસની પ્રક્રિયા 30 દિવસમાં પુરી કરી અહેવાલ કોર્ટમાં મોકલી અપાશે. જેથી વિમાની રકમ ઝડપથી મેળવવામાં સહુલિયત બની રહેશે તેમજ ફરિયાદીએ બનાવનું સ્થળ અને પોલીસ સ્ટેશનનું નામ લખ્યું હશે તે પોલીસ સ્ટેશનમાં ઇ-એફઆઈઆરનું નોટિફિકેશન જશે અને પોલીસ સ્ટેશનની વિગત દર્શાવેલ નહિ હોય તો કમિશનર, એસપી કચેરીએ જશે ત્યારબાદ સંબધિત પોલીસ સ્ટેશનમાં મોકલી અપાશે.

ઇ-એફઆઈઆર નોંધાવાના 48 કલાકમાં પોલીસ ફરિયાદીનો સંપર્ક કરી ચોરીના સ્થળની મુલાકાત તપાસ અહેવાલ બનાવી 30 દિવસમાં કોર્ટમાં રજૂ કરાશે. તેમણે ઉમેર્યું કે 120 કલાકમાં આ અરજી પર કાર્યવાહી ન થવાની સ્થિતિમાં અરજીને આપોઆપ ઇ-એફઆઈઆર નંબર મળી જશે. કોઈ વ્યક્તિ ઈ -FIR માધ્યમથી ખોટી ફરિયાદ કરશે તો તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરાશે.

અન્ય સમાચારો પણ છે...