જે વૃદ્ધની અંતિમવિધિ થઈ ગઈ તે ઘરે પરત ફર્યા!:મોભીના નિધનના પગલે પરિજનો શોકમાં ઘરે બેઠા હતા ત્યારે જ બાળક બોલ્યું 'નાના આવ્યા નાના', સૌ કોઈ ડઘાઈ ગયા

જામનગર23 દિવસ પહેલા
  • ભૂલથી બીજા વૃદ્ધના અંતિમ સંસ્કાર કરી નાખ્યાનો ખુલાસો
  • જેના અંતિમ સંસ્કાર કરી નખાયા તેના સાચા પરિજનો પણ મળી આવ્યા

જામનગરમાં એક પરિવારની નાની ભૂલના કારણે ગંભીર છબરડો સર્જાયો હોવાનું સામે આવ્યું છે. એક પરિવારે જે વડીલને મૃત માની અંતિમવિધિ કરી નાખી હતી તે જ વડીલ થોડા કલાકો બાદ ઘરે આવતા પરિવારજનો ડઘાઈ ગયા હતા. જ્યારે જે વૃદ્ધના અંતિમ સંસ્કાર કરી નખાયા તે વૃદ્ધના સાચા પરિવારજનોને મૃત્યુની જાણ તો થઈ પણ અંતિમ સંસ્કાર માટે મૃતદેહ ના મળ્યો.

દયાળજીભાઈ રાઠોડના પરિવારજનો
દયાળજીભાઈ રાઠોડના પરિવારજનો

એક પરિવારની ભૂલના કારણે છબરડો સર્જાયો
જામનગર શહેરના કાલાવડ નાકા વિસ્તારમાં રહેતા દયાળજીભાઈ દામજીભાઈ રાઠોડ ગુમ થયા હતા. તો શાકમાર્કેટ વિસ્તારમાં રહેતા કેશુભાઈ મકવાણા નામના વૃદ્ધ પણ ગુમ થયા હતા. બંનેના પરિવારજનો દ્વારા પોલીસ સ્ટેશનમાં ગુમ થયા અંગેની જાણ કરવામા આવી હતી. આ સમયે જ શાકમાર્કેટ વિસ્તારમાંથી એક વૃદ્ધની લાશ મળી આવતા પોલીસ દ્વારા કેશુભાઈ મકવાણાના પરિવારજનોને જાણ કરી હતી. તેના પરિવારજનો દ્વારા મૃતદેહની ઓળખ કરી મૃતદેહ સ્વીકારી લીધો હતો અને ઘરે જઈ અંતિમવિધિ પણ કરી નાખી હતી. જો કે, અંતિમવિધિના થોડા કલાકમાં જ જે કેશુભાઈ મકવાણા પોતાના ઘરે પરત ફરતા પરિવારજનો ડઘાઈ ગયા હતા. જો કે, બાદમાં તપાસ કરતા માલૂમ પડ્યું કે જે વ્યકિતના અંતિમ સંસ્કાર કરી નખાયા તે કેશુભાઈ મકવાણા નહીં પણ કાલાવડ નાકા બહાર રહેતા દયાળજીભાઈ રાઠોડનો મૃતદેહ હતો.

કેશુભાઈ મકવાણાના પરિવારજન
કેશુભાઈ મકવાણાના પરિવારજન

દયાળજીભાઈના પરિવારજનોને મૃતદેહ ના મળ્યો
જે મૃતદેહ કેશુ મકવાણાનો હોવાનું સમજી અંતિમ સંસ્કાર કરી નખાયા તે મૃતદેહ હકીકતમાં દયાળજીભાઈ રાઠોડનો હતો. દયાળજીભાઈ રાઠોડના પરિવારજનોનું માનીએ તો, પોલીસ દ્વારા તેને દયાળજી ભાઈના મૃત્યુ અંગે જાણ કરવામા આવી હતી. જો કે, પરિવારજનોને જ્યારે મોતની જાણ થઈ ત્યારે તેના અંતિમ સંસ્કાર થઈ ચૂક્યા હતા.

મૃતક દયાળજીભાઈ રાઠોડના ઘરની તસવીર
મૃતક દયાળજીભાઈ રાઠોડના ઘરની તસવીર

અસ્થિકુંભ પરથી નામ બદલવાની પ્રક્રિયા હાથ ધરી
કેશુભાઈ મકવાણાના પરિવારજનો દ્વારા કેશુભાઈ ગુજરી ગયા હોવાનું માનીને દયાળજીભાઈના અંતિમ સંસ્કાર કરી નાખવામા આવ્યા હતા. સ્મશાનગૃહમાં મૃતકના અસ્થિઓ નામ લખી રાખવામા આવે છે. કેશુભાઈના પરિવારજનો દ્વારા અસ્થિકુંભ પર નામ લખાવેલું હોવાના કારણે હવે દયાળજીભાઈના પરિવાર દ્વારા અસ્થિકુંભનું નામ બદલવા ઉપરાંત મૃત્યુના દાખલા મેળવવા માટે પ્રક્રિયા હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...