દબાણ હટાવાયા:જામનગરમાં ફ્લાયઓવરબ્રિજને નડતરરૂપ ઝૂંપટપટ્ટી દૂર કરાતા ભારે દેકારો થઈ ગયો

જામનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંબર ચોકડી પાસે ખડકાયેલા દબાણ હટાવાયા પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરવામાં આવી

જામનગરમાં મહત્ત્વાકાંક્ષી અને ટ્રાફિકમાં રાહત થાય તેવા ફ્લાય ઓવર પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ફ્લાય ઓવરના કામ સંદર્ભમાં ગુરૂવારે અંબર ચોકડી પાસે ત્રિકોણિયાવાળી જગ્યામાંથી ત્રાસદાયક ગેરકાયદે દબાણો હટાવવાની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ બંદોબસ્ત સાથે આ જગ્યામાં કબજો જમાવી બેઠેલા દબાણકર્તા ઝુંપડપટ્ટીવાળાઓને હટાવવામાં આવતા થોડા સમય માટે દેકારો મચી ગયો હતો.

શહેરમાં ગુરૂવારે હળવા વરસાદ વચ્ચે અંબર ચોકડી પાસે પોલીસની હાજરીમાં મક્કમતાથી તમામ દબાણો દૂર કરી દેવાયા હતાં. આ કાર્યવાહી કરવામાં આવતા લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતાં. આ જગ્યા પરથી દબાણો હટાવી લેવાયા પછી ત્યાં મહાનગરપાલિકા તંત્ર દ્વારા ફ્લાય ઓવર સંલગ્ન જરૂરી સર્વિસ રોડ બનાવવા માટેનું કામ શરૂ કરવામાં આવનાર છે.

જામનગરના અંબર ચોકડી પાસેની વિશાળ ત્રિકોણિયાવાળી જમીન પરના ઝુંપડપટ્ટી સાથેના દબાણો અનેક વખત હટાવવામાં આવ્યા છે, પણ તે જ સ્થળે તે જ દબાણકર્તાઓ દ્વારા કાર્યવાહી પૂરી થયાના ગણતરીના કલાકો-દિવસોમાં ફરીથી દબાણો સર્જાતા શહેરીજનો માટે આ સમસ્યા માથાના દુ:ખાવારૂપ બની હતી. ફ્લાય ઓવર માટેનો સર્વિસ રોડ બની રહ્યો છે ત્યારે કાયમ માટે આ સમસ્યાનો ઉકેલ આવશે.

અન્ય સમાચારો પણ છે...