તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગરને મળી નવી ઉડાન:ઉડાન ૩.૦ અંતર્ગત જામનગર-હૈદરાબાદ,જામનગર- બેંગલુરુ વિમાની સેવાનો આજથી શુભારંભ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના હસ્તે લીલી ઝંડી આપી ફ્લાઇટનો પ્રારંભ
  • રાજ્ય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની પ્રેરક ઉપસ્થિતિ

જામનગરને આજે વધુ એક નવી ઉડાન મળી છે. જામનગરના વિકાસમાં વધુ એક મોરપંખનો ઉમેરો કરતાં ભારત સરકારની ઉડાન યોજના અંતર્ગત જામનગરથી આજે જામનગર-બેંગલુરુ અને જામનગર-હૈદરાબાદ વિમાની સેવાનો કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા વર્ચ્યુઅલી ફ્લેગ ઓફ કરાવી સેવાનો શુભારંભ કરાયો હતો.

આ તકે કેન્દ્રીય મંત્રીએ ગુજરાત સાથેના પારિવારિક સંબંધોને યાદ કરી ગુજરાતને હવાઈ જોડાણનો વધુમાં વધુ લાભ મળે તે માટે ગુજરાત નાગરિક ઉડ્ડયન મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાથે ખાસ ચર્ચા પણ કરી હતી. કેન્દ્રીય મંત્રીએ જામનગરની પ્રમુખતા, જામનગરના ગર્વ સમાન હાલારી પાઘડી અને સંરક્ષણ દળ, ખાડી વિસ્તારમાં જામનગરની ભૌગોલિક પરિસ્થિતિ વગેરે બાબતે જામનગરની શાનને જણાવી જામનગર અને આસપાસના વિસ્તારને વધુ સારી એર કનેક્ટિવિટીનો લાભ મળશે તે માટે કટિબદ્ધતા દર્શાવી હતી. જામનગર એર એન્કલેવ માટે પણ ૧૩ કરોડની રાશિ આપવામાં આવી છે જેના થકી આધુનિક કામગીરી થઇ રહી છે તેમ ઉમેર્યુ હતું.

મંત્રીએ ઉડાન યોજના દ્વારા ભારતના નાના શહેરોને એક નવી ઉડાન મળી છે તેમ કહી જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા ૨૦૨૪-૨૫ સુધીમાં નવા ૧૦૦૦ એર રૂટ અને નવા ૧૦૦ એરપોર્ટ બનાવવા નિશ્ચિત કરવામાં આવ્યું છે, જેમાંના ૩૬૩ રૂટ ચાલુ થઇ ચૂક્યા છે અને ૫૯ એરપોર્ટ બની ચૂક્યા છે ત્યારે આગામી લક્ષ્યમાં ગુજરાતને વધુ ૧૦ નવી ફ્લાઇટ મળી શકે છે જે અંગે ગુજરાત નાગરિક ઉડ્ડયન મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જેને કેન્દ્રીય મંત્રીએ સકારાત્મક સંકેત આપ્યા છે. ગુજરાત રાજ્યના નાગરિક ઉડ્ડયન મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જામનગરને મળેલી નવી બે સેવાઓ દ્વારા જામનગરના એમ.એસ.એમ.ઇ. સેક્ટરને ખૂબ લાભ થશે તેમજ જામનગર નજીક દ્વારકા સાથે પ્રવાસન પણ જોડાયેલું છે ત્યારે આ વિમાની સેવા દ્વારા પ્રવાસનનો પણ ખુબ વ્યાપ વધશે તેમ જણાવ્યું હતું.

મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સીંધીયાનો આભાર વ્યકત કરવા સહ બીજા ૮ રૂટ અમદાવાદથી મીઠાપુર, અમદાવાદથી કેશોદ, ભાવનગરથી પુને, કેશોદથી મુંબઇ, સાબરમતી રીવરફ્રન્ટથી શેત્રુંજય ડેમ, સ્ટેચ્યુ ઓફ યુનીટીથી સુરત, વડોદરાથી દિવ અને સુરતથી દિવ એવા છે કે જે ઓપરેશનલ થવાના બાકી છે અને કુલ ૭ રૂટ અમદાવાદથી ભાવનગર, અમદાવાદથી દિલ્હી, અમદાવાદથી જામનગર, અમદાવાદથી મુન્દ્રા, સુરતથી જેસલમેર, જામનગરથી દિલ્હી અને સાબરમતી રીવરફ્રન્ટથી સ્ટેચ્યુઓફ યુનીટી એવા છે કે, હાલ પુરતા બંધ છે. આ રૂટને પણ જલ્દી થી જલ્દી શરૂ કરવામાં આવે એવી મંત્રીને વિનંતી કરી હતી. સાથે જ શેત્રુંજ્ય ડેમથી સી-પ્લેન સેવા શરૂ કરવા માટે નવી સાઇટનુ ફીઝીબીલીટી સર્વે કરીને ઝડપથી આ જગ્યાએથી સી-પ્લેન સેવા શરૂ કરવા કેંન્દ્રીય મંત્રીશ્રીને આગ્રહ કર્યો હતો.

આ પ્રસંગે જામનગરના સાંસદ પૂનમબેન માડમ એરપોર્ટ ખાતે પ્રત્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા. સાંસદે કહ્યું હતું કે, જામનગર એરપોર્ટ એ સૌથી જૂનું એન્ક્લેવ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે જામનગરને ઉડાન યોજના દ્વારા નવી પાંખો મળી છે, ત્યારે ઉડાન યોજના દ્વારા હૈદરાબાદ-બેંગલોરની ફ્લાઈટ સાથે ભારતના નાના શહેરોને એર કનેક્ટિવિટી સાથે જોડવાની પ્રધાનમંત્રીની નેમને સાકાર કરવા માટેનું વધુ એક પગલું આગળ ભરાયું છે.

અન્ય સમાચારો પણ છે...