કાર્યવાહી:બેડી આવાસના 81 લાભાર્થીની ફલેટ ફાળવણી કાયમી ધોરણે રદ

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2 વર્ષ સુધી બાકી 80% અને મેઇનટેનન્સ ડીપોઝીટ ન ભરતા કાર્યવાહી

જામનગરમાં બેડી ઓવરબ્રીજ પાસે આવાસ યોજનાના 81 લાભાર્થીની ફલેટ ફાળવણી રદ કરાઇ છે. ફલેટધારકોએ બબ્બે વખત નોટીસ આપી હોવા છતાં બાકી 80% રકમ અને મેઇનટેનન્સ ડીપોઝીટ ન ભરતા કાર્યવાહી થઇ છે. બેડી રેલવે ઓવરબ્રીજ પાસે ઇડબલ્યુએસ-1 પ્રકારના 144 અને ઇડબલ્યુએસ-2 પ્રકારના 128 મળી કુલ 272 આવાસ બનાવામાં આવ્યા હતાં. જેનો કોમ્પ્યુટરાઇઝડ ડ્રો તા.11-12-2020ના રોજ કરવામાં આવ્યો હતો. ડ્રોમાં પસંદગી પામેલા લાભાર્થીઓને સૂચનાપત્ર આપીને જરૂરી આધાર-પુરાવા રજૂ કરી અનુક્રમે 20 ટકા અને 80 ટકા રકમ નિયત મુદતમાં ભરવાની હોય છે.

272 માંથી 81 લાભાર્થીએ ડ્રો થયાના બે વર્ષ વીતી જવા છતાં તેઓએ ડ્રોમાં લાગેલા ફલેટ અન્વયે માત્ર અરજીફોર્મ સાથેની ડીપોઝીટની જ રકમ ભરી હતી. ત્યારબાદ બાકી રહેતી ફલેટ અન્વયેની 80 ટકા રકમ અને મેઇનટેનન્સ ડીપોઝીટની રકમ પણ હજુ સુધી ભરપાઇ કરી નથી. આથી તમામ 81 લાભાર્થીને બાકી રકમ ભરપાઇ કરવા પ્રાથમિક અને આખરી નોટીસ ફટકારી મુદત આપવામાં આવી હતી.

આમ છતાં તમામ લાભાર્થીઓ દ્વારા રકમ જમા કરાવવા માટે કોઇપણ કાર્યવાહી કરવામાં ન આવતા તમામ 81 લાભાર્થીની ફલેટ ફાળવણી રદ કરવાનો હુકમ કરી તા.29-10-2022 સુધીમાં બાકી રકમ ભરવા તાકીદ કરવામાં આવી હતી. આટલું જ નહીં આ લાભાર્થીઓને બાકી રકમ ભરવા લોન સહીતનું માર્ગદર્શન આપી મીટીંગ પણ રાખવામાં આવી હતી. આમ છતાં રકમ ન ભરતા 81 લાભાર્થી તરફથી પ્રતિસાદ ન મળતા તમામ 81 લાભાર્થીઓની ફલેટ ફાળવણી કાયમી ધોરણે રદ્દ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...