ટેસ્ટ એટલે વધારાયા કે... કોરોનાના મામૂલી લક્ષણોમાં પણ દર્દીની તુરંત સારવાર કરી શકાય
શહેરમાં કોરોનાનું સંક્રમણ આગની જેમ આગળ વધી રહ્યું છે. આથી સંક્રમણને કાબૂમાં લેવા મહાનગરપાલિકાએ શહેરમાં દરરોજ 700 ટેસ્ટ થતાં હતાં તે વધારીને ડબલ કરાયા છે. એટલે કે, કરોનાના દરરોજ 1400 ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેથી જો કોઇ દર્દીને કોરોનાના માઈલ્ડ લક્ષણો હોય તો તેને હોમ આઇસોલેશનમાં રાખી તુરંત તેની સારવાર થઇ શકે અને સંક્રમણ ફેલાતું અટકાવી શકાય..
ઓક્સિજન બેડ વધારવા ઉપરાંત... આઇટીઆઇ અને આયુર્વેદ યુનિવર્સિટીની જગ્યા પણ સ્ટેન્ડ બાય
જામનગરમાં કોરોનાના કેસ રોકેટ ગતિએ વધતા મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્ર ઉંધા માથે કામગીરીમાં લાગ્યું છે. આગામી દિવસોમાં કેસ વધુ વધે તો દર્દીઓને સારવાર મળી રહે તે માટે જી.જી.હોસ્પિટલમાં ઓક્સિજનની સુવિધા સાથેના 2000 ઉપરાંત વધુ 2100 બેડની સુવિધા ઉભી કરાઇ છે. આ ઉપરાંત તંત્ર દ્વારા આઇટીઆઇ અને આયુ.યુનિ.ની જગ્યા પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
શુક્રવારે બાળકોની કોરોના રસી ખલાસ... શનિવારે રસીના ડોઝ વધારે મોકલાતા બાળકોને વેક્સિનેશન
જામનગરમાં શુક્રવારે 15 થી 18 વર્ષના બાળકોને આપવામાં આવતી કોરોના પ્રતિરોધક રસી કોવેક્સિન ખલાસ થઇ જતાં શહેરમાં 32 માંથી એક પણ સ્થળ પર બાળકોને રસી આપવામાં આવી ન હતી. જો કે, શનિવારે 5000 ડોઝ આવતા બાળકોનું પુન: રસીકરણ શરૂ થયું છે. બીજી બાજુ શહેરમાં 18 વર્ષથી વધુ વયના લોકોને આપવામાં આવતી કોવીશિલ્ડ રસીના 15000 થી વધુ ડોઝ હોય તેનું રસીકરણ યથાવત રહ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.