મૂળ ખંભાળિયાના બંગલાવાડી વિસ્તારના રહીશ અને હાલ શહેરમાં એમ્યુઝમેન્ટ પાર્કમાં રહેતા રાજુ અરવિંદભાઈ વિઠલાણીએ 6 માસ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા. 30 વર્ષના વેપારી રાજુએ ખંભાળિયામાં શક્તિનગર વિસ્તારમાં રહેતા લખમણભાઇ મૂળજીભાઈ કણજારીયાની પુત્રી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. ત્યારબાદ તે જામનગર રહેવા આવી ગયો હતો.
આ દરમિયાન ગતરાત્રે 9 વાગ્યાના અરસામાં વેપારી યુવાન રાજુના પત્ની અને માતા પોતાના ઘરે હતા તે વેળાએ પત્ની યુક્તિબેનના પિતા લખમણભાઇ કણજારીયા અને ભાઈ જનક લખમણભાઇ કણજારીયા અચાનક ઘસી આવ્યા હતા અને આશાબેનને ધક્કો મારી લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો, તેમના હાથમાં રહેલો મોબાઇલ ફોન બળજબરીપૂર્વક ઝુંટવી લીધો હતો અને આશાબેનને એક રૂમમાં પૂરી દીધા હતા.
બાદમાં યુક્તિબેનનું અપહરણ કરી લઈ ગયા હતા. ત્યારબાદ આ મામલે રાજુભાઈ વિઠલાણીએ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં સસરા લખમણભાઇ મૂળજીભાઈ કણજારીયા અને જનક લક્ષ્મણભાઈ કણજારીયા સામે હુમલા અને અપરણ સહિતની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.