જામનગરમાં જનાવરે વધુ એક જીવ લીધો:વાણિયાવાડમાં રખડતા ઢોરે વૃદ્ધને ઢીંકે ચડાવ્યાં, સારવાર પૂર્વે જ મોત

જામનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરના મોટાભાગના વિસ્તારોમાં વકરેલી શિરદર્દ સમી સમસ્યા સામે તંત્રવાહકો મુક પ્રેક્ષક
  • ચાંદી બજાર પાસે વાણીયાવાડ વિસ્તારનો બનાવ, ઘરેથી નિકળેલા વેપારી વૃધ્ધને ઢોરે ઢીંકે ચડાવ્યા, સારવાર પૂર્વે મોત

જામનગર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ વધુ એક વખત જીવલેણ બન્યો છે.જેમાં ચાંદી બજાર વિસ્તારમાં રહેતા એક વેપારી વૃધ્ધને ઘર નજીક જ વાણીયાવાડ વિસ્તાર પાસે રખડતા ઢોરે ઢીંકે ચડાવતા બેભાન હાલતમાં તેઓને તુરંત હોસ્પીટલમાં લઇ જવાતા સારવાર પુર્વે તેનુ મૃત્યુ નિપજયુ હોવાનો બનાવ બહાર આવ્યો છે.

જામનગર સહિત આજુબાજુના સિમાડા પરના માર્ગો પર રખડતા ઢોરના અડીંગા હવે સામાન્ય બન્યા છે.તંત્રવાહકોના ભેદી મૌન અને બેદરકારી વચ્ચે શિર દર્દ સમાન બનેલી રખડતા ઢોરની સમસ્યા વધુ એકવાર જીવલેણ બની હોવાનુ સામે આવ્યુ છે જેમાં શહેરના ચાંદી બજાર વિસ્તાર પાસે રહેતા ભરતભાઇ નામના પાંસઠ વર્ષીય વેપારી વૃધ્ધ ઘરેથી નિકળ્યા હતા. જે બાદ તેઓ ઘર નજીક વાણીયાવાડ વિસ્તાર પાસે પસાર થઇ રહયા હતા ત્યારે રખડતા ઢોરે તેઓને ઢીંકે ચડાવ્યા હતા. આથી માથાના ભાગે ઇજા સાથે બેશુદ્ર બની તેઓ ઢળી પડતા તુરંત જ સારવાર માટે જી.જી. હોસ્પીટલ ખાતે લઇ જવાયા હતા જયાં સારવાર મળે એ પુર્વે જ તેનુ મૃત્યુ નિપજયાનુ તબીબે જાહેર કર્યુ હતુ.આ બનાવની જાણ થતા હોસ્પીટલ ચોકી પોલીસ સ્ટાફ પણ દોડી ગયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં લગભગ તમામ મુખ્ય માર્ગો ઉપરાંત નાની મોટી ગલીઓમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા ઢોરના ત્રાસે માઝા મુકી છે.જેના પગલે સામાન્ય અકસ્માતના બનાવો રોજીંદા બન્યા છે.છેલ્લા અમુક સમયગાળા દરમિયાન જ રખડતા ઢોરના કારણે અડધો ડઝન જેટલી માનવી જીંદગી હોમાઇ હોવાનુ સામે આવ્યુ છે.ત્યારે તંત્રવાહકો કયારે જાગશે? આવા ઢોરમાલિકો સામે ફોજદારી પગલા ભરશે?કે કેમ એવા આક્રોશ સાથે શહેરીજનોમાં રોષની લાગણી વ્યાપી છે.

અન્ય એકાદ-બે વ્યક્તિ પણ ઢોરની ઝપટે ચડ્યા
શહેરના ચાંદી બજાર નજીકના વિસ્તારમાં રસ્તે રખડતા ચાર-પાંચ ઢોરના ટોળાએ રવિવારે સાંજે આતંક મચાવતા ભોગગ્રસ્ત વૃદ્ધ ઉપરાંત અન્ય 1-2 વ્યક્તિને પણ ઝપટમાં લઈ ઈજાઓ પહોંચાડ્યાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...