વિવાદ:લાલપુરના રીંઝપર ગામમાં 6 શખસનો 2 ભાઈઓ પર જીવલેણ કરાયો હુમલો

જામનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રસ્તામાં ઉભા કરેલા સિમેન્ટના પોલ વાહન ચલાવવામાં નડતર થતાં માથાકૂટ થઈ

જામનગર જિલ્લાના લાલપુર તાલુકા મથકે આવેલ શહિદ ગાર્ડન પાસે બુધવારે રાત્રે આઠેક વાગ્યાના સુમારે રીંજપર ગામના નારણભાઇ ચનાભાઇ બૈડિયાવદરા અને તેના ભાઇ નાથાભાઇ પર ચોરબેડી ગામના પ્રવિણભાઇ કાનાભાઇ વસરા, રીંજપર ગામના પાલા મુરૂ વસરા, કિશોર દેવશીભાઇ વસરા અને દેવળિયા ગામના અસ્મિન વસરા, સરધૂના ગામના જયેશ આલાભાઇ વસરાઅને મેમાણા ગામના ક્રિષ્નદેવસિંહ જાડેજા તથા અન્ય એક અજાણ્યા શખ્સ સહિતનાઓએ લોખંડના પાઇપ, કુહાડી અને તલવાર તથા લાકડી સહિતના હથિયારો લઇ હુમલો કર્યો હતો.

આ હુમલામાં નાથાભાઇને તથા તેના ભાઇ નારણને શરીરના ભાગે ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. સારવાર લીધા બાદ નારણભાઇએ ઉપરોક્ત આરોપીઓ સામે લાલપુર પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી હતી. રીંજપર ગામના ઘવાયેલા બન્ને બંધુઓએ લાલપુરાવાળા ઓસમાણબાપુની શહિદ ગાર્ડન પાસે આવેલ રોડકાંઠાની જમીન ભાડે રાખી હતી.આ જમીન પર સિમેન્ટના પોલથી આડશ ઉભી કરવામાં આવી હતી.

જે આડશ આરોપી પ્રવિણ તથા અશ્વિનના પવનચક્કીના ભારે વાહનો પસાર થવામાં અડચણરૂપ થતી હતી. જેને લઇને બન્ને શખસોએ સિમેન્ટ પોલ હટાવી લેવાનું કહ્યું હતું. આ સિમેન્ટ પોલ નહીં હટાવાતા આરોપીઓએ એકસંપ કરી બુધવારે રાત્રે હુમલો કરી દીધો હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે. આ ફરિયાદના આધારે પ્રો પીએસઆઇ એન.બી. ચાવડા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી રીંઝપર ગામમાં ચકચાર મચી ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...