સફેદ દૂધનો કાળો કારોબાર:જામનગરના કાલાવડ તાલુકાના હરિપર ગામમાંથી નકલી દૂધ બનાવવાની ફેકટરી ઝડપાઈ, 800 લીટર બનાવટી દૂધનો પોલીસે નાશ કર્યો

જામનગર17 દિવસ પહેલા
  • હાલ ફૂડ વિભાગ પરીક્ષણ અને સેમ્પલ મેળવવા કામગીરી હાથ ધરી છે

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હરિપર ગામે એસઓજી પોલીસે દરોડો પાડી નકલી દૂધ બનાવતી ફેક્ટરી પકડી પાડી છે આ ફેક્ટરી પર દાળઢડા ઘી પાવડર અને પાણીના મિશ્રણથી દૂધ બનાવવામાં આવતું હતું. પોલીસે આશરે 800 લીટર દૂધનો જથ્થો નાશ કર્યો છે. આ ઉપરાંત 42 નંગ વનસ્પતિ ઘી ના ડબ્બા, પાવડરના 14 બાચકા અને મશીનરી સહિતનો જથ્થો સીજ કર્યો છે. પોલીસે સંચાલક સામે ફરિયાદ નોંધવા સહિતની તજવીજ હાથ ધરી છે. આ રેકેટ કેટલા સમયથી અને કેટલા વિસ્તારમાં પ્રસરેલું છે ?તેની વિગતો પોલીસ તપાસમાં બહાર આવશે.

દૂધ પાવડર, વનસ્પતિ ઘી મિક્સ કરી દૂધ બનાવતા હતા
લઠ્ઠાકાંડ રાજ્યભરમાં ગાજી રહી ગયું છે ત્યારે જામનગર જિલ્લામાંથી નકલી દૂધ બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. કાલાવડ તાલુકાના હરિપર ગામે અમુક શખ્સો નકલી દૂધ બનાવવાની પ્રવૃત્તિ કરી જન આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા હોવાની ચોક્કસ હકીકત એસઓજીને મળી હતી. આ હકીકતના આધારે આજે સવારે પીઆઇ આર.વી. વીંછી સહિતના સ્ટાફે આ દિશામાં કાર્યવાહી કરી હતી. પોલીસે હરિપર ગામે દરોડો પાડી બનાવટી દૂધની ફેક્ટરી પકડી પાડી છે. અહીં વનસ્પતિ ઘી, અમૂલનો પાવડર અને પાણી ભેળવીને વિપુલ પ્રમાણમાં દૂધ બનાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. અહીંથી બનાવવામાં આવતું દૂધ ડેરીમાં જતું હતું કે લોકોના ઘર સુધી જતું હતું. તેની વિગતો હવે જાહેર થશે. પોલીસે ફેક્ટરીમાંથી નકલી દૂધ બનાવવાની મશીનરી ઉપરાંત વનસ્પતિ ઘીના 42 ડબા ભરેલા અને અમુલ પાવડરના 14 બાચકા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ઉપરાંત દાળઢડા ઘી પાવડર અને પાણીમાંથી બનાવવામાં આવેલ 800 લીટર નકલી દૂધ નો જથ્થો નાશ કર્યો હતો.

પોલીસ તપાસમાં થઈ શકે છે ચોંકાવનારા ખુલાસા
આ ફેક્ટરી કેટલા સમયથી ધમધમી રહી છે તેમજ કોણ કોણ સંડોવાયું છે અને દરરોજનો કેટલો જથ્થો અહીંથી ઉત્પાદન કરી લોકો સુધી પહોંચાડવામાં આવતો હતો અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હતા તેની વિગતો હવે જાહેર થશે. હાલ એસોજી પોલીસ દ્વારા પંચનામું કરી કાલાવડ ગ્રામ્ય પોલીસમાં આ પ્રકરણમાં સંડોવાયેલા આરોપીઓ સામે ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે, પોલીસે અહીંથી દૂધ,ઘી, પાવડર ના નમુના લઇ લેબોરેટરીમાં મોકલવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...