જામનગર શહેર સ્વચ્છતા અને સુંદરતાના મામલે દિવસે દિવસે નીચે ઉતરતું જાય છે ત્યારે તેના પાછળના કારણો શોધવા જવા પડે તેમ નથી. તેના દાખલા રૂપે શુક્રવારે શરૂ સેક્શન રોડ ઉદ્યોગનગરમાં આવેલા ડિવાઈડર વચ્ચેના અત્યંત સુંદર ફૂલોના ઝાડ પર સિવિલ શાખાએ વરસાદી પાણીના નિકાલ માટે મોરમ બહાર કાઢી તે ઝાડ પર ઢોળી દેતા 25 જેટલા ઝાડના નિકંદન નીકળી ગયા છે. આની જાણ થતા જ અને ‘ભાસ્કર’ દ્વારા પૂછપરછ કરાતા અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા અને તાત્કાલિક દોડી મોરમ ઝાડની આજુબાજુથી દૂર કરાવી હતી, પરંતુ ત્યાં સુધી મોડુ થઈ ગયું હતું. અંતે વાત મીડિયા સુધી પહોંચતા કોન્ટ્રાક્ટરને નોટિસ દેવામાં આવી છે.
જામનગર શહેરના શરૂ સેક્શન રોડ મિલન હોટલ સામે આવેલ ઉદ્યોગનગર રોડ પર સિવિલ શાખા દ્વારા વરસાદી પાણી નિકાલની કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરી દરમિયાન સિવિલ શાખાના કોન્ટ્રાક્ટર દ્વારા માટી અને મોરમ બહાર કાઢી ડિવાઈડરની વચ્ચે રહેલા સુંદર મજાના ફૂલોના ઝાડ પર માટી-મોરમના ઢગલા કરી દેતા ઝાડ નમી ગયા હતા. 25 જેટલા ઝાડોનું આના કારણે નિકંદન નીકળી ગયું હતું.
આ બાબતે ‘ભાસ્કર’ દ્વારા સિવિલ શાખાના અધિકારીઓનું ધ્યાન દોરતા તેઓ ચોંકી ઉઠ્યા હતા અને તાત્કાલિક ત્યાં દોડી જઈ માટી-મોરમ દૂર કરાવી હતી પરંતુ ત્યાં સુધી મોડુ થઈ ગયું હતું અને ઝાડોને ન ભરપાઈ થઈ શકે તેવું નુકસાન થઈ ચૂક્યું હતું. આ બાબતે વધારે વિવાદ વધતા અધિકારીઓ દ્વારા તાત્કાલિક આવી કામગીરી કરવા બદલ કોન્ટ્રાક્ટરને નોટિસ પાઠવવામાં આવી હતી અને તેનો ખુલાસો માંગવામાં આવ્યો છે જે બાદ કામગીરી કરાશે તેમ જણાવવામાં આવ્યું છે.
કોન્ટ્રાક્ટરનો ખુલાસો માંગવામાં આવ્યો છે: ડે. એન્જિનિયર
કોન્ટ્રાક્ટર દ્વારા હિટાચીથી સફાઈ કરવામાં આવી રહી હતી જેમાં તેમણે માટી-મોરમ ઝાડો પર નાખી દીધી હતી જે સાફ કરી દેવામાં આવી છે છતાં પણ આ બાબતે કોન્ટ્રાક્ટરને નોટિસ આપી તેનો ખુલાસો માંગવામાં આવ્યો છે. - હરેશ વાણિયા, ડેપ્યુટી એન્જિનિયર, જામ્યુકો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.