ચૂંટણીલક્ષી તૈયારીઓ અંતિમ તબક્કામાં:જામનગરમાં 1287 બુથો માટે ઈ.વી.એમ. પ્રિપેરેશન, પોલિંગ સ્ટાફનું રેન્ડમાઇઝેશન સહિતની તૈયારીઓ પૂર્ણ કરાઈ

જામનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક

જામનગરમાં આગામી તા.1-12-2022ના રોજ વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓને લઈ મતદાન યોજાવાનું છે. જે અંગેની વિગતો આપતા જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેક્ટર ડો.સૌરભ પારધીએ જણાવ્યું હતું કે, જામનગર જિલ્લામાં તમામ 1287 બુથ પર ચૂંટણી સંબંધિત તૈયારીઓ હાલ અંતિમ તબક્કામાં છે. તંત્ર દ્વારા જામનગર જિલ્લામાં તમામ બુથો પર ચૂંટણીલક્ષી વ્યવસ્થાઓ જેવી કે ઈ.વી.એમ. મશીન પ્રિપેરેશન, પોલિંગ સ્ટાફનું રેન્ડમાઇઝેશન, સ્ટાફની તાલીમ વગેરે જેવી તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.
આ વખતે યુવા મતદારો માટે યુવા મતદાન મથક, મોડલ પોલિંગ બુથ, સુખી મતદાન મથક સહિતની વ્યવસ્થાઓ તેમજ વરિષ્ઠ નાગરિકો તથા દિવ્યાંગજનો માટે પણ ખાસ સુવિધાઓ મતદાન મથક પર ઉભી કરવામાં આવી છે.
ચૂંટણી કામગીરી પર દેખરેખ રાખવા ઓબ્જર્વરની નિમણૂક
પોલીસ તંત્ર તરફથી પણ ચૂંટણીલક્ષી તમામ સુરક્ષા બંદોબસ્ત સમગ્ર જિલ્લામાં સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. તેમજ ભારતીય ચૂંટણી પંચ દ્વારા પણ સમગ્ર ચૂંટણી કામગીરી પર દેખરેખ રાખવા ઓબ્જર્વરની નિમણૂક કરવામાં આવી છે. કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, જે નિર્દિષ્ટ નાગરિકો મતદાન મથક સુધી નથી આવી શકતા તેમના માટે પણ તંત્ર દ્વારા પોસ્ટલ બેલેટના માધ્યમથી ઘર આંગણે જ મતદાનની સુવિધા પૂરી પાડવામાં આવી છે.
અચૂક મતદાન કરવા કલેક્ટરે અપીલ કરી
યુવા મતદારો તથા જિલ્લાના દરેક નાગરિકોને પણ આ તકે બહોળી સંખ્યામાં પોતાના નજીકના મતદાન મથક પર જઈ મજબૂત લોકશાહી માટે મળેલ આ અવસર ઝડપી અચૂક મતદાન કરવા કલેક્ટરે અપીલ કરી હતી.
​​​​​​​ચૂંટણી વખતે કોઈપણ પ્રકારની ધાક-ધમકી કે પ્રલોભન જેવી બાબતો ધ્યાને આવે તો ચૂંટણી તંત્રની ખર્ચ નોંધણી ટીમ એ માટે 24 કલાક કાર્યરત છે. જો કોઈ નાગરિકના ધ્યાનમાં પણ આવી બાબત આવે તો તુરંત જ cVIGIL એપ્લિકેશન તેમજ 1950 હેલ્પલાઇનના માધ્યમથી તંત્ર સુધી સંલગ્ન બાબત પહોંચાડવા કલેક્ટરે અનુરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...