જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા રાજ્યની 9 આયુર્વેદ કોલેજના જોડાણ એકસાથે રદ કરવાના ચકચારી મામલામાં કુલપતિ ડો. મુકુલ પટેલે ‘ભાસ્કર’ સાથે ખૂલીને વાત કરી હતી. તેમણે કહ્યું કે, વિવિધ આયુર્વેદ કોલેજોમાં ચાલતી ખામીઓને દૂરસ્ત કરવા માટે 90 ફેકલ્ટીની વિવિધ ટીમ બનાવવામાં આવી હતી અને તમામ કોલેજોમાં જ્યારે એકસાથે ચેકિંગ કરવામાં આવ્યું, તેની આગળની રાત સુધી આ ફેકલ્ટીને પણ આ બાબતથી અજાણ રાખવામાં આવી હતી. જે કોલેજોમાં ક્ષતિઓ માલૂમ પડી છે.
એ કૉલેજના તમામ પ્રિન્સિપાલને યુનિવર્સિટીમાં કમિટી દ્વારા સાંભળવામાં આવે અને પારદર્શકતા જળવાય એટલે એનું વીડિયો રેકોર્ડિંગ પણ કરાય એમ કમિટીના સૂચન દ્વારા ગોઠવવામાં આવ્યું છે. ક્ષતિગ્રસ્ત કૉલેજ તરફથી એમની રજૂઆતને સાંભળીને યુનિવર્સિટીને લાગશે કે, હવે પછી આ ક્ષતિઓ સુધરી શકે એમ છે તો જે-તે કૉલેજ તરફથી અન્ડરટેકિંગ લઈને એને ક્ષતિઓ દૂર કરવાની બાંહેધરી સાથે કમિટી પોતાનો અંતિમ નિર્ણય લઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટી યા તો NCISM દ્વારા ઇન્સ્પેક્શન આવવાનું હોય એની માહિતી કૉલેજને અગાઉથી મળતી હતી. આ વર્ષે બહુ જ ખાનગીમાં 90 જેટલા ફેકલ્ટી દ્વારા ટીમ બનાવીને એક જ તારીખ અને સમયે આ ઈન્સ્પેક્શન કરાયું હતું, જેથી સરકારી કૉલેજ સાથે ઘણી બધી પ્રાઇવેટ કૉલેજોની ક્ષતિઓ પણ બહાર આવી ગઈ છે. કુલપતિએ ઉમેર્યું હતું કે, દરેક કૉલેજની શિક્ષણ વ્યવસ્થા તેમજ હોસ્પિટલની સુવિધા અને દર્દીઓની સંખ્યા ઉપર યુનિવર્સિટી દ્વારા વિજિલન્સ ટીમ દ્વારા સમયાંતરે નિરીક્ષણ તેમજ પરીક્ષણ થતું રહેતું હોય છે.
કાંઈ ગુપ્ત નહોતું, માનીતી કોલેજોને ઇન્સ્પેક્શનની અગાઉથી ખબર જ હતી : કોલેજ સંચાલક
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિ ડો. મુકુલ પટેલ દ્વારા ભલે એવો દાવો કરવામાં આવે કે ફેકલ્ટીને પણ આગળની રાત્રે જ કહેવામાં આવ્યું હતું અને ઇન્સ્પેક્શનની માહિતી અત્યંત ગુપ્ત રાખવામાં આવી હતી પણ હકીકત એ છે કે, કમિટીના ચોક્કસ મેમ્બરોની કેટલીક માનીતી કોલેજોને આગળના દિવસથી જ આ ઇન્સ્પેક્શનની ખબર હતી તેમ એક કોલેજ સંચાલકે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.