ચોરી:ઘરમાં ઘૂસી વૃદ્ધાના હાથમાંથી દોઢ લાખની બંગડીઓ તફડાવી

જામનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ભંગારની રેંકડી કાઢતી અજાણી મહિલા સામે ગુનો નોંધ્યો

જામનગરની જલાની જારમાં રહેતી વૃદ્ધા સોમવારે સવારે પોતાના ઘરે એકલા હતા ત્યારે ઘરમાં ઘૂસી આવેલી અજાણી મહિલાએ તેના હાથમાંથી સોનાની 4 અને ચાંદીની 2 બંગડી સેરવી લઈ નાસી છૂટતા પોલીસે દોઢ લાખ ઉપરાંતની ચોરી અંગે મહિલા સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

જામનગરના જલાની જાર વિસ્તારમાં આવેલી બુટાના કૂવાવાળી શેરીમાં રહેતી સવિતાબેન જયેશભાઈ દવે (ઉ.વ.86) નામના વૃદ્ધા સોમવારે સવારે તેમના ઘરે સૂતા હતા અને તેમનો પુત્ર જયેશભાઈ કામ સબબ બહાર ગયો હતો ત્યારે ત્રીસેક વર્ષની અજાણી મહિલા ઘરમાં ઘૂસી હતી અને પલંગ પણ સૂઈ રહેલા વૃદ્ધાના હાથમાં રહેલી સોનાની સાડા છ તોલાની ચાર બંગડીઓ તેમજ છ ગ્રામ જેટલા વજનની ચાંદીની બે બંગડીઓ બળજબરીપૂર્વક કાઢી નાસી છૂટી હતી.

બનાવ અંગે વૃદ્ધાએ તેના પુત્ર જયેશભાઈને જાણ કરતા તેઓ ઘરે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસે વૃદ્ધાનું નિવેદન લઈ રૂા.1,62,900ની ચોરી કરવા અંગે અજાણી મહિલા સામે ગુનો નોંધ્યો હતો.પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, મહિલા થોડા દિવસથી તે શેરીમાં ભંગારની રેંકડી લઈને આંટાફેરા કરતી હતી અને વૃદ્ધાની રેકી કર્યા બાદ ચોરીની આ ઘટનાને અંજામ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...