6 દિવસમાં 1.58 કરોડની વીજ ચોરી પકડાઈ:જામનગર-દેવભૂમિ દ્વારકામાં વીજતંત્રની કાર્યવાહી, જામનગરમાં આજે વધુ 20.90 લાખની વીજચોરી પકડી

જામનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વીજ ચેકિંગમાં 33 ટીમો કામે લાગી અને દરોડા પાડી વીજચોરી પકડી

જામનગર જિલ્લા તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વીજતંત્ર દ્વારા છેલ્લા પાંચ દિવસથી પાડવામાં આવેલા દરોડા દરમિયાન કુલ 1 કરોડ 38 લાખની વીજ ચોરી પકડી પાડવામાં આવી છે. જે ચેકિંગની કાર્યવાહી આજે સતત છઠ્ઠા દિવસે પણ અવિરત ચાલુ રાખવામાં આવતા આજે વધુ રૂા.20.90 લાખની વીજ ચોરી ઝડપાઇ હતી.

ઠેર ઠેર દરોડાઓ પાડવામાં આવ્યા
જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીની ચેકિંગ ડ્રાઈવ દ્વારા જામનગર શહેરમાં તેમજ જિલ્લામાં અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સોમવારથી ઠેર ઠેર દરોડાઓ પાડવામાં આવ્યા હતા, અને મોટાપાયે વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં ગઈકાલના એક જ દિવસમાં વધુ 42.15 લાખની વીજ ચોરી પકડી પાડવામાં આવી હતી. સમગ્ર પાંચ દિવસના સમયગાળા દરમિયાન બંને જિલ્લામાંથી 1,38,55,000 ની વીજ ચોરી પકડી પાડવામાં આવી છે.જે ચેકિંગ ની કાર્યવાહી આજે પણ અવિરત ચાલુ રખાઇ છે.

345 જેટલા વીજ જોડાણનું ચેકીંગ કરવામાં આવ્યું
આજે ફરી જામનગર શહેરના ગોકુલ નગર, રડાર રોડ, નીલકમલ સોસાયટી, અંધઆશ્રમ, સાધના કોલોની સહિતના વિસ્તારોને ધમરોળવામાં આવ્યા છે. જેના માટે 33 વીજ ચેકિંગ ટુકડીને ઉતારાઈ છે, જેની મદદ માટે 12 એસઆરપીના જવાનો, 22 લોકલ પોલીસ, આઠ નિવૃત્ત આર્મી મેન અને ત્રણ વિડીયોગ્રાફરોને જોડવામાં આવ્યા હતા. આજે 345 જેટલા વીજ જોડાણનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ પૈકી 65 સ્થળેથી વિવિધ પ્રકારે વીજ ચોરી થતી હોવાનું જણાતા આ આસામીઓને રૂા.20.90 લાખના બીલ આપવામાં આવ્યા હોવાનું પીજીવીસીએલના અધિકારીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...