જામનગર શહેરના ગોકુલનગર, સાધના કોલોની, મયુરનગર વગેરે વિસ્તારોમાં આજ સવારથી પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા વીજ ચેકીંગ શરુ કરાયું છે. સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં વીજ ચેકીંગ કરાયા પછી આજથી વધુ એક વખત વીજ ચેકીંગનો દોર આરંભાયો છે.
90 દિવસ પછી ચેકીંગ હાથ ધરાયું
જામનગરની સ્થાનિક પીજીવીસીએલ કચેરી દ્વારા આજથી વધુ એક વખત સર્કલ ચેકીંગ ડ્રાઈવ અંતર્ગત વીજ ચોરી ડામવા માટે ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે. અંદાજે 90 દિવસ પછી આજથી વધુ એક વખત વીજ અધિકારીઓ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ચેકીંગ માટે પહોંચ્યા છે.
સવારથી ચેકીંગ શરુ કરાયું
જામનગરની કચેરીના સિટી-2 ડિવિઝનમાં સમાવિષ્ટ ખંભાળિયા નાકા અને નગર સીમ સબ ડિવિઝનમાં આવતા સાધના કોલોની, બાવાવાડ, પવનચક્કી રોડ, ગોકુલનગર, રડાર રોડ, મયુરનગર વિસ્તારમાં સવારથી ચેકીંગ શરુ કરાયું છે. તેમજ ચેકીંગ માટે સ્થાનિક અધિકારીઓના વડપણ હેઠળની વીસ ટુકડીઓ, ચૌદ એસઆરપીમેન, નવ એક્સ આર્મી મેનના સુરક્ષા કવચ હેઠળ ધસી ગઈ છે.
અધિક્ષક ઈજનેરની અમરેલીમાં બદલી કરાઈ
જ્યારે જામનગરની પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ કચેરીમાં અધિક્ષક ઈજનેરની ફરજ બજાવતા કે.આર. પારેખની અમરેલીમાં બદલી કરવામાં આવી છે. તેઓની જગ્યાએ રાજકોટથી એલ.કે. પરમારને જામનગરની કચેરીમાં મૂકવામાં આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.