જૂની અદાવતમાં હુમલો:જામનગરના લાલપુરમાં ત્રણ વર્ષ જૂના ડખ્ખાનો ખાર રાખી આઠ શખ્સોએ દંપતી પર હુમલો કર્યો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હુમલો કરનારા આઠ શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો

લાલપુર ગામના સાનિધ્યપાર્ક વિસ્તારમાં ત્રણ વર્ષ પૂર્વે બાઇકમાં હોર્ન મારી પૂરઝડપે ચલાવવાની ના પાડયાનું મનદુ:ખ રાખી આઠ શખ્સોએ ઘરમાં ઘુસી પ્રૌઢ તથા તેના પરિવારજનો ઉપર લાકડાના ધોકા વડે અને ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે રાયોટીંગનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.

હુમલાના બનાવની વિગત મુજબ, મુળ નાંદુરી ગામનો વતની અને હાલ લાલપુરના સાનિધ્ય સોસાયટીમાં રહેતા દિલીપસિંહ ભગવાનસંગ જાડેજા (ઉ.વ.54) નામના પ્રૌઢના ઘર પાસે ત્રણ વર્ષ પૂર્વે હેમંત ઉર્ફે કારો મેપા કરંગીયા નામનો શખ્સ સ્પિડમાં બાઈક ચલાવી હોર્ન મારતો હતો જેથી પ્રૌઢ અને તેના પુત્ર ભગીરથએ હેમંતને ઘર પાસે બાઈક ધીમુ ચલાવવાનું કહેતા બોલાચાલી અને માથાકુટ થઈ હતી. આ મનદુ:ખનો ખાર રાખી રવિવારે સાંજના સમયે હેમંત ઉર્ફે કારો મેપા કરંગીયા, રાહુલ મેપા, ચંદ્રેશ કરશન ગોજીયા અને પાંચ અજાણ્યા સહિતના આઠ શખ્સોએ એકસંપ કરી ઘરમાં ઘુસી ઉંચા અવાજ અપશબ્દો બોલી દિલીપસિંહ જાડેજાને લાકડાના ધોકા વડે માર માર્યો હતો તેમજ તેમની પત્ની ઉપર ધોકા વડે તથા ઢીકાપાટુનો માર મારી પરિવારના સભ્યોને મારી નાખવાની ધમકી આપી હતી.

હુમલાના બનાવમાં ઘવાયેલા દંપતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવ અંગેની જાણ થતા પીએસઆઈ ડી.એસ. વાઢેર તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ હુમલાનો ભોગ બનેલા દિલીપસિંહના નિવેદનના આધારે આઠ શખ્સો વિરૂધ્ધ રાયોટીંગ અને હુમલાનો ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...