ભાસ્કર એક્સક્લુઝિવ:ચૂંટણી તંત્રએ ઇમારત કબજે લેતા ઓશવાળ ઇંગ્લીશ એકેડમી શાળામાં 3 દિવસથી શૈક્ષણિક કાર્ય બંધ

જામનગર13 દિવસ પહેલાલેખક: પારસ સાહોલિયા
  • કૉપી લિંક
  • ચૂંટણી તંત્રએ ઇમારત કબજે લેતા ઓશવાળ ઇંગ્લીશ એકેડમી શાળામાં 3 દિવસથી શૈક્ષણિક કાર્ય બંધ
  • આજથી શાળા ચાલુ , પણ હજુ 28 થી 2 ડિસેમ્બર સુધી બંધ રહેશે

જામનગરમાં વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને જિલ્લા વહીવટી તંત્રએ શાળાની ઇમારત લેતા ઓશવાળ ઇંગ્લીશ એકેડમી શાળામાં શૈક્ષણિક કાર્ય બંધ રહેતા હોબાળો મચી ગયો છે. જિલ્લા વહીવટીતંત્ર અને શાળા સંચાલકોએ જવાબદારી એકબીજા પર ઢોળતા છાત્રોનો અભ્યાસ બગડતા વાલીઓમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે. શાળામાં કે.જી.થી ધો.8 સુધી 152 વિધાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ સ્થિતિમાં શાળામાં ત્રણ-ત્રણ દિવસ શૈક્ષણિક કાર્ય બંધ રહેતા જવાબદાર કોણ તે સળગતો સવાલ બન્યો છે.

શાળા સહિતની ઇમારતો રિકવીઝીટ કરવામાં આવી

જામનગર શહેર-જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકની ચૂંટણીને અનુલક્ષીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શાળા સહિતની ઇમારતો રિકવીઝીટ કરવામાં આવી છે. જેમાં 77-જામનગર ગ્રામ્ય બેઠકના ઇવીએમ માટે ઓશવાળ ઇગ્લીશ સ્કૂલની ઇમારત શાળા દ્રારા રિકવીઝીટ એટલે કે લેવામાં આવી છે.

ત્રણ દિવસ શૈક્ષણિક કાર્ય બંધ રહેતા હોબાળો
​​​​​​​જેમાં સ્ટ્રોંગરૂમ ઉભો કરાયો છે. શાળામાં કે.જી. થી ધો. 8 સુધી 152 છાત્રો અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે શાળાની ઇમારત તંત્રએ રિકવીઝીટ કરતા શાળામાં મંગળવાર, બુધવાર અને ગુરૂવાર ત્રણ દિવસ શૈક્ષણિક કાર્ય બંધ રહેતા હોબાળો મચી ગયો છે.શુક્રવારથી શૈક્ષણિક કાર્ય પુન: શરૂ થશે. જયારે આગામી તા.28 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી ચૂંટણી કામગીરીને પગલે પુન: શૈક્ષણિકા કાર્ય બંધ રહેશે. અગાઉની ચૂંટણીમાં શાળાની ઇમારત તંત્ર દ્રારા રિકવીઝીટ કરાવામાં આવી હતી. પરંતુ શૈક્ષણિક કાર્ય બંધ રહ્યું નથી. ત્યારે શાળામાં ત્રણ-ત્રણ દિવસ શૈક્ષણિક કાર્ય બંધ રહ્યું તેના માટે જવાબદાર કોણ અને કયાં હેતુથી બંધ રખાયું તે સળગતો સવાલ બન્યો છે.

પ્રાંત અધિકારી વૈકલ્પિક વ્યવસ્થા કરવા સૂચના અપાઇ હતી
વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને 77-જામનગર ગ્રામ્ય બેઠકનો ઇવીએમનો સ્ટ્રોગરૂમ ઓશવાળા ઇગ્લીશ એકેડમી સ્કૂલમાં ઉભો કરાયો છે. આ માટે શાળાની ઇમારત રિકવીઝિટ કરવામાં આવી છે. પરંતુ શાળામાં અભ્યાસ કાર્ય ચાલુ રહે તે માટે અગાઉ જ શાળા સંચાલકોને સૂચના આપવામાં આવી હતી.--ધાર્મિક ડોબરિયા, ગ્રામ્ય પ્રાંત અધિકારી, જામનગર

સ્કૂલ કમિટી ગત ચૂંટણીમાં શાળાના બે રૂમ અને હોલ જ અપાયા હતાં
વર્ષ-2017 ની વિધાનસભા ચૂંટણીમાં શાળાની ઇમારત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રિકવીઝીટ કરવામાં આવી હતી. પરંતુ શરૂના દિવસોમાં શાળાના બે રૂમ અને હોલ આપવામાં આવ્યો હતો. શાળામાં શૈક્ષણિક કાર્ય ચાલુ રહ્યું હતું.
-દિલીપ ચંદરિયા, પૂર્વ કન્વીનર, ઓશવાળ સ્કૂલ કમીટી, જામનગર.

કન્વીનર ચૂંટણીને અનુલક્ષીને શાળાની ઇમારત રિકવીઝીટ કરી છે
વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને જિલ્લા વહીવટીતંત્રએ શાળા સહિતની ઇમારત રિકવીઝીટ કરી છે. અમે શાળાની ઇમારત આપી નથી. જેમાં ઇવીએમ મશીનનો સ્ટ્રોગરૂમ બનાવામાં આવ્યો હોય શાળામાં ત્રણ દિવસ શૈક્ષણિક કાર્ય બંધ રહ્યું હતું.-કેતન વોરા, કન્વીનર, ઓશવાળ સ્કૂલ કમીટી, જામનગર

અન્ય સમાચારો પણ છે...