ACBની સફળ ટ્રેપ:દ્વારકાના પ્રાંત અધિકારી નિહાર ભેટારિયા ત્રણ લાખની લાંચ લેતા ઝડપાયા, હથિયારનો પરવાનો આપવા માટે માગી હતી લાંચ

જામનગર2 મહિનો પહેલા
પ્રાંત અધિકારી નિહાર ભેટારિયા
  • ગાંધીનગર એસીબીની ટીમે છટકું ગોઠવી પ્રાંત અધિકારીને લાંચ લેતા ઝડપી પાડ્યો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકામાં પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતા નિહાર ભેટારિયાને ACBએ રૂપિયા ત્રણ લાખની લાંચ લેતા ઝડપી પાડ્યો છે. પાક રક્ષણ માટે હથિયારનો પરવાનો આપવા બદલ પ્રાંત અધિકારીએ રૂપિયા ત્રણ લાખની લાંચ માગતા ગાંધીનગર એસીબીની ટીમે છટકું ગોઠવી અધિકારીને લાંચ લેતા ઝડપી પાડ્યો હતો.

દેવભૂમિ દ્વારકાના ડેપ્યુટી કલેક્ટર તરીકે ફરજ બજાવતા નિહાર બુધાભાઇ ભેટારિયાએ એક આસામીને પાક રક્ષણ હથિયાર પરવાનો આપવા માટે રૂ.૩,૦૦,૦૦૦ની લાંચની માંગણી કરી હતી. જોકે જે તે આસામી આવડી મોટી રકમ આપવા માંગતા ન હોવાથી તેઓએ ગાંધીનગર એસીબીની ફરિયાદ કરી હતી. જેના આધારે આજે ગાંધીનગર એ.સી.બી. ટીમ દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી. જેમાં દ્વારકા નાયબ કલેક્ટર ભેટારિયા ત્રણ લાખની લાંચ લેતા આબાદ પકડાઈ ગયા હતા.

એસીબીની ટીમે અધિકારીની ધરપકડ કરી તેના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ ઉપરાંત તેના બેંકના એકાઉન્ટ સહિતનો તાગ મેળવવા કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે. જીએએસ કક્ષાનો અધિકારી એસીબીની ટ્રેપમાં સપડાઈ જતા હાલરની બંને સરકારી કચેરીઓમાં આ મુદ્દો છવાયેલો રહ્યો હતો.