જામનગરના સાંઢીયા પુલ પાસે કારખાનેદારે ધંધામાં ખોટ જતાં ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. વાલકેશ્વરીનગરીમાં સિક્યુરિટી ગાર્ડ પડી જતાં ઈજા થવાથી તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. આ ઉપરાંત બુટાવદર ગામમાં સંતાનોના ભવિષ્યની બાબતે બોલાચાલી થતા મનમાં લાગી આવતા પરિણીતાએ ઝેરી દવા પીને આપઘાત કર્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.
જામનગરના સાંઢીયા પુલ પાસે આવેલા સમર્પણ પાર્કમાં રહેતા પ્રફુલ બાબુભાઈ ગોરેચા (ઉ.વ.40) નામના યુવાનનું દરેડ જીઆઇડીસીમાં લેથ મશીનનું કારખાનું હોય અને ધંધામાં ખોટ જતાં ગુમસુમ રહેતો હોય. ગુરૂવારે સાંઢીયા પુલ નજીક રેલવે ટ્રેક પર ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લેતા મુરલીધર સોસાયટીમાં રહેતા ભાવેશ બાબુભાઈ ગોરેચાએ પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ બનાવને પગલે મૃતકના પરિવારમાં ઘેરો શોક છવાયો છે. જ્યારે ઔદ્યોગિક વર્તુળોમાં પણ ભારે અરેરાટી ફેલાઈ છે.
બીજા બનાવમાં જામનગરના ધરારનગર-રમાં રહેતા ગંભીરસિંહ જગતસિંહ ઝાલા (ઉ.વ.43) નામનો યુવાન પોતાની સિક્યુરિટી ગાર્ડની ફરજ પર વાલકેશ્વરીમાં આવેલા તકવાણી હોસ્પિટલ પાસે હતા ત્યારે અકસ્માતે પડી જતા તેને માથા, કપાળ અને નાકના ભાગે ગંભીર ઈજા થતાં સારવારમાં ખસેડાયો હતો જ્યાં તેનું મૃત્યુ થતા સિટી-બી પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
ત્રીજા બનાવમાં જામજોધપુર તાલુકાના બુટાવરમાં રહેતી કવિતાબેન પ્રકાશભાઈ સરપદડીયા (ઉ.વ.35) નામની પરિણીતાએ પોતાના સંતાનોના ભવિષ્યના ઉછેરની ચિંતા હોય.આ બાબતે પતિ સાથે બોલાચાલી થતા તેણીને મનમાં લાગી આવતા ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. જેનું લાંબી સારવાર બાદ મૃત્યુ થતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.