સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકા નજીક નાગેશ્વર હાઇ વે રોડ પર બપોરે એક કાર પલટી મારી જતા સર્જાયેલા અકસ્માતમાં ચાલક પ્રૌઢનુ મૃત્યુ નિપજયુ હતુ.જયારે અન્ય ત્રણને ઇજા પહોચતા તાકીદે 108 મારફતે સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાયા હતા. સંભવત યાંત્રિક ક્ષતિ સર્જાતા કાર અકસ્માત સર્જાયો હોવાનુ જાણવા મળ્યુ છે.
પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકાની ભાગોળે નાગેશ્વર હાઇવે પર ગૌશાળા પાસેથી પસાર થતી એક કાર અચાનક પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો.જે અકસ્માતની જાણ થતા 108ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને ગંભીર સહિતના ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાયા હતા.જોકે, કાર ચાલક મુળ રાજસ્થાનના જોધપુરના વતની અને જેતપુર પંથકમાં રહેતા લક્ષ્મણભાઇ રામભાઇ જોશીનુ મૃત્યુ નિપજયુ હતુ.
જયારે કાર સવાર હાર્દિકભાઇ કિશોરભાઇ રૂપલ, ભાવેશભાઇ મજીઠીયા અને જયેશભાઇ બાબુભાઇ ધામેલીયાને નાની મોટી ઇજાઓ થતા સારવાર અર્થે સ્થાનિક હોસ્પીટલમાં લઇ જવાયા હતા.બનાવની જાણ થતા 108ના ઇએમટી સતીષભાઇ બાંભણીયા અને પાયલોટ રોહિતભાઇ કામરીયા સહિતની ટીમ ત્વરીત ઘટનાસ્થળે દોડી ગયા હતા.
જયારે સ્થાનિક પોલીસ ટીમ પણ સ્થળ પર દોડી ગઇ હતી.આ બનાવની કાર સવાર જયેશભાઇ ધામેલીયાની ફરીયાદ પરથી પોલીસે કારચાલક મૃતક સામે અકસ્માત મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ સંભવત યાંત્રિક ક્ષતિના કારણે અકસ્માત સર્જાયો હોવાનુ જાણવા મળ્યુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.