તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેમડેસિવિર કૌભાંડ:ડો. બલદાણિયાએ કાકાને શરદી-ઉધરસ થયાનું પ્રિસ્ક્રિપ્શન મૂકી જી.જી. હોસ્પિટલમાંથી ઇન્જેક્શન ઊઠાવ્યા અને સુરતમાં વેચી માર્યા

જામનગર, અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી તબીબ ડો. ધીરેન બલદાણિયાની તસવીર - Divya Bhaskar
આરોપી તબીબ ડો. ધીરેન બલદાણિયાની તસવીર
  • સોલા હાઇકોર્ટ PI જે.પી. જાડેજાએ કહ્યું કે, જામનગરના આરોપી તબીબને સાબરમતી જેલ હવાલે કરાયા છે, રૂા. 8,500માં 1ના ભાવે 4 રેમડેસિવિર વેચ્યા હતાં

અમદાવાદમાં ઈન્જેક્શનની કાળાબજારી કરવાના ચકચારી પ્રકરણમાં સોલા પોલીસ દ્વારા જામનગરની જી.જી. હોસ્પિટલના ડોક્ટરની અટકાયત કરવામાં આવી હતી. આ ડોક્ટરે પ્રાથમિક પૂછપરછમાં એવી ચોંકાવનારો ખૂલાસો કર્યો છે કે, તેણે પોતાના કાકા ભૂપત બલદાણિયાના નામે પ્રિસ્ક્રિપ્શન બનાવીને જી.જી.માંથી રેમડેસિવિર ઈન્જેક્શન મેળવી લીધા હતા. હાલ આ તબીબને સાબરમતી જેલના હવાલે કરાયો હોવાનું સોલા પીઆઇ જે.પી. જાડેજાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું.

આરોપીઓએ ડોક્ટરની પોલ ખોલી
અમદાવાદના એસ.જી. હાઈ-વે પર સોલા પોલીસે જય શાહ નામના યુવકની 6 રેમડેસિવિર ઈન્જેક્શન સાથે અટક કરી હતી તેની પૂછપરછમાં તેણે આ ઈન્જેક્શન સુરતના ડો. મિલન સુતરિયા, કીર્તિ દવે અને જુહાપુરાની રૂહી પઠાણે આપ્યા હોવાનું ખૂલતા પોલીસે ત્રણેયની અટક કરી પૂછપરછ કરતા તપાસ દરમિયાન જામનગરની જી.જી. હોસ્પિટલમાં રેડિયોલોજી વિભાગમાં એમ.ડી.ના બીજા વર્ષમાં અભ્યાસ કરતા ડો. ધીરેન બલદાણિયાએ રૂા.8 હજારમાં આપ્યા હોવાનું બહાર આવતા સોલા પોલીસે જામનગર આવીને અટક કરી હતી.

સાબરમતી જેલમાં ખસેડવાનો હુકમ
સુરતના આરોપી ડો. કીર્તિ અને ડો. ધીરેન બંને સાથે ભણતા હતા ત્યારે બંનેને ઓળખાણ થઈ હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ધીરેને જણાવ્યું હતું કે, તેણે પોતાના કાકાને શરદી, ઉધરસ થયા હોવાનું પ્રિસ્ક્રિપ્શન મૂકી જી.જી.માંથી રેમડેસિવિર ઈન્જેક્શન મેળવી સુરતમાં વેચી ​​​​​​​માર્યા હતા. પોલીસની પૂછપરછ બાદ કોર્ટે તેને સાબરમતી જેલ હવાલે કરવા હુકમ કર્યો છે.

ડો. ધીરેને શનિવારથી રજા પર જતા હાેવાનો કાગળ આપ્યો છે : ડીન
ડો. ધીરેન બલદાણિયા રેડિયોલોજી વિભાગના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે, તેણે શનિવારથી પોતે પોતાના અંગત કામથી રજા ઉપર જઈ રહ્યો છે માટે હાજર નહીં રહે તેવો ફક્ત કાગળ આપ્યો છે, બાકી પોલીસ કે અન્ય ડિપાર્ટમેન્ટ તરફથી અમને કોઈ કાગળ કે માહિતી મળી નથી. માહિતી મળવાથી આગળની કાર્યવાહી કરવામાં આવશે.- ડો. નંદિની દેસાઈ, ડીન, એમ.પી. શાહ મેડિકલ કોલેજ, જામનગર.

જી.જી.માંથી રેમડેસિવિર ઈન્જેક્શન મેળવવાની પ્રોસેસ
રેમડેસિવિર ઈન્જેક્શન જો જોઈતા હોય તો પ્રથમ ડોકટર દર્દીને તપાસીને પ્રિસ્ક્રિપ્શન લખી આપે કે આમને રેમડેસિવિર ઈન્જેક્શનની જરૂર છે, જે બાદ જી.જી.માંથી તેને ઈન્જેક્શન જોઈતું હોય તો તેને હોસ્પિટલમાં દાખલ થવું પડે જે પછી તેની સારવાર અને પ્રિસ્ક્રિપ્શનના આધારે ઈન્જેક્શન આપવામાં આવે. અત્રે ઉલ્લેખનીય છે કે, જી.જી.માં ફક્ત દાખલ થયેલા દર્દીને જ રેમડેસિવિર ઈન્જેક્શન આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...