અસ્થીવિષયક, શ્રવણમંદ, પ્રજ્ઞાચક્ષુ, મનોદિવ્યાંગ સહિતના દિવ્યાંગ સમુદાયને સમાજની મુખ્ય ધારામાં સમાવિષ્ટ કરવા અને તેમના હક અધિકારો વિષે માહિતગાર કરવા માટે જિલ્લા કાનૂની સેવા સતા મંડળ અને આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ, જામનગર દ્વારા દિવ્યાંગ સ્વાભિમાન સમર્પણ ચિંતન શિબિર- 2023 તા. 05 માર્ચના રોજ યોજાઈ હતી.
આ નિઃશુલ્ક શિબિરમાં જામનગર દિવ્યાંગ સમાજ પ્રમુખ સત્તારભાઈએ દિવ્યાંગ સમુદાયોને મળતા હક્ક- અધિકારો વિષે માહિતી આપી હતી. અંત્યોદય યોજના તળે પાત્રતા ધરાવતા દિવ્યાંગ લાભાર્થીઓને આ યોજના અંગે સરળ ભાષામાં સમજણ પુરી પાડી હતી.
તા. 16 થી 20 માર્ચ દરમિયાન મહારાષ્ટ્રના પુનામાં 21મી નેશનલ પેરા એથેલેટિક્સ 2022-23 નું આયોજન થવા જઈ રહ્યું છે. ત્યારે આ સ્પર્ધામાં લાંબી કૂદ અને ગોળા ફેંક ઝોનમાં ભાગ લેનારા જામનગરના દિવ્યાંગ ખેલાડી ચંદ્રેશભાઇ બગડા, શિવદાસ ગુજરીયા અને ભારતીબેન રાઠોડનું દિવ્યાંગ સમિતિના સદસ્યો દ્વારા શાલ-કેપ આપીને સન્માન કરાયું હતું તેમજ તાજેતરમાં ભારતીય ટપાલ વિભાગ દ્વારા આયોજિત પત્ર લેખન સ્પર્ધામાં રાજ્ય સ્તરે તૃતીય ક્રમાંકે વિજેતા બનેલી શહેરની રીનાબેન સાંગાણીનું સદસ્યો દ્વારા સન્માન કરાયું હતું.
કાર્યક્મમાં નિવૃત્ત નાયબ મામલતદાર વિજયભાઈ વોરા, દિવ્યાંગ મહિલા અધિકાર સમિતિના પ્રમુખ પ્રફુલાબેન મંગે, અરબ યંગ ફાઉન્ડેશન જામનગરના હાજી અબ્દુલકાર મસ્કતી, દિવ્યાંગ કાર્યકર શીતલબેન સાંગાણી તેમજ દિવ્યાંગ બાળકોના વાલીઓ ઉપસ્થિત રહયા હતા.
શિબિરને સફળ બનાવવા માટે ટ્રસ્ટના ઉપપ્રમુખ આર.જે. પાલેજા, દિવ્યાંગ કાર્યકર રિયાબેન ચિતારા, જાયણીબેન મોઢા, બિપીનભાઈ અમૃતિયા, દીપકભાઈ સંચાણીયા, હિરેનભાઈ ગોહેલ, પુષ્પાબેન વોરાએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જામનગરના દિવ્યાંગ ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.