જામનગર જિલ્લા અને તાલુકા પંચાયતના વર્ગ-3 ના કર્મચારીઓની બદલીનો તખતો તૈયાર થઇ ચૂકયો છે. કારણ કે, રાજયના પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ વિભાગે એક જ શાખામાં ત્રણ વર્ષથી ફરજ બજાવતા કર્મીઓની યાદી મંગાવી છે. મંજૂરી વગર ચાલુ રાખવામાં આવેલા કર્મચારીના કરાર સમાપ્તની સૂચના પણ આપી છે.
રાજયના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રા.વિ. વિભાગના સચિવે તા.10 જૂનના જામનગર સહિત રાજયના તમામ જિલ્લા વિકાસ અધિકારીને કરેલા પરિપત્રમાં જણાવ્યાનુસાર જિલ્લા અને તાલુકા પંચાયત હેઠળના વર્ગ-3 ના કર્મચારીઓ કે જેઓ એક જ જગ્યા અને શાખામાં ત્રણ વર્ષ પૂરા કર્યા હોય તેઓને અન્ય શાખા કે સ્થળે બદલવામાં આવ્યા ન હોય તેમજ જેઓએ પાંચ વર્ષની નોકરી કરી હોય તેઓની બદલી અન્ય તાલુકા કે સ્થળે કરવામાં ન આવી હોય તેના નામની યાદી ત્રણ દિવસમાં એટલે કે 13 જૂન સુધીમાં મોકલવા જણાવાયું છે.
તદઉપરાંત સરકારની પૂર્વમંજૂરી વગર કરાર આધારિત, આઉટ સોર્સીંગ કર્મચારીઓ રાખવામાં આવ્યા હોય તેનો કરાર સમાપ્ત કરવા સૂચના આપવામાં આવી છે. પંચાયત વિભાગે અચાનક કર્મચારીઓની યાદી મંગાવતા જિલ્લા અને તાલુકા પંચાયતના કર્મચારીઓમાં અનેક સવાલ ઉઠયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.