વિધાનસભાની ચૂંટણી:જામનગરમાં બુથ લેવલ ઓફીસર્સ દ્વારા મતદાર માહિતી કાપલીના વિતરણની કામગીરી શરૂ

જામનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતના ચૂંટણી પંચ, ન્યુ દિલ્હીની સૂચનાથી વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 માટે અગાઉ આપવામાં આવતી મતદાર ફોટો કાપલીની જગ્યાએ હવે પછી મતદાર માહિતી કાપલીનું વિતરણ કરવાનું નકકી કરવામાં આવ્યું છે. ત્યારે જામનગરમાં બુથ લેવલ ઓફીસર્સ દ્વારા મતદાર માહિતી કાપલીના વિતરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. નવી મતદાર સ્લિપની આગળની બાજુએ મતદારનું નામ, જાતિ, ચૂંટણી કાર્ડ નંબર, સબંધીનું નામ, મતદાન મથકનો ભાગ નંબર અને નામ, મતદારયાદીમાં ક્રમ નંબર, મતદાન મથકનું સરનામુ, મતદાનની તારીખ અને સમય વગેરે વિગતો દર્શાવેલી હશે. જયારે મતદાર માહિતી કાપલીની પાછળની બાજુએ મતદાન મથકનો ગુગલ મેપ અને મતદારો માટેની અગત્યની સૂચનાઓ દશાર્વેલી હશે.

ચૂંટણી કાર્ડના વિકલ્પ તરીકે 12 પૈકી કોઈ એક દસ્તાવેજ રાખવો જરૂરી
મતદાન અર્થે મતદાન મથકે આવનારા તમામ મતદારોની ઓળખ પ્રસ્થાપિત થાય તે માટે મતદાર ફોટો ઓળખપત્ર (EPIC-ચૂંટણી કાર્ડ) અથવા ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવેલા નીચેના 12 પૈકીના કોઈપણ દસ્તાવેજનો ઉપયોગ કરી શકાશે. જેમાં 1. આધારકાર્ડ, 2. મનરેગા જોબકાર્ડ, 3. બેંક અથવા પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવેલા ફોટો સહિતની પાસબુક, 4. શ્રમ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા હેલ્થ ઇન્સ્યુરન્સ સ્માર્ટ કાર્ડ, 5. ડ્રાઇવિંગ લાયસન્સ, 6. પાનકાર્ડ, 7. એન.પી.આર. હેઠળ આર.જી.આઈ. દ્વારા આપવામાં આવેલા સ્માર્ટકાર્ડ, 8. ભારતીય પાસપોર્ટ, 9. ફોટો સાથેનો પેન્શન દસ્તાવેજ 10. કેન્દ્ર સરકાર-રાજ્ય સરકાર જાહેરસાહસો, પબ્લિક લિમિટેડ કંપનીઓના કર્મચારીઓને આપવામાં આવેલું ફોટો ધરાવતું ઓળખકાર્ડ, 11. સંસદસભ્ય, ધારાસભ્ય,વિધાન પરિષદના સભ્યને આપવામાં આવેલા અધિકૃત ઓળખકાર્ડ, 12 યુનિક ડિસેબિલિટી આઈ.ડી. (UDID) કાર્ડ, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય, ભારત સરકાર. આ તમામ પૈકી કોઈ પણ એક દસ્તાવેજ સાથે રાખવો જરૂરી છે.
સ્લિપનું વિતરણ 25 તારીખ સુધી થશે
જામનગર જિલ્લામાં મતદાર માહિતી કાપલી (Voter Information Slip)ના વિતરણની કામગીરી તા.21-11-2022 થી શરૂ કરી તા.25-11-2022 સુધી કરવામાં આવનાર છે. જેની જિલ્લાના તમામ મતદારોએ નોંધ લેવા અનુરોધ છે. ચૂંટણી કાર્ડ તેમજ મતદારયાદીને લગત તમામ માહિતીની નિયમિત જાણકારી મેળવવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર, જામનગરના ફેસબુક પેજ, ટવિટર એકાઉન્ટ અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ (DeoJamnagar) ને ફોલો કરવા પણ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કલ્પના ગઢવી દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...