રિસર્ચ:આયુર્વેદ યુનિવર્સિટીમાંથી કોરોના દર્દીઓ માટે આયુષ-64 ટેબ્લેટનું વિતરણ શરૂ

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદની સાથે હોમ આઈસોલેટ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવાની શક્યતા ઘટાડે છે

જામનગરની રાષ્ટ્રીય દરજ્જો પ્રાપ્ત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા શહેરમાં આયુષ મંત્રાલયના નેજા હેઠળ તજજ્ઞો દ્વારા નિર્મિત કોરોનાના હળવા લક્ષણો ધરાવતા દર્દીઓ માટે ઉપયોગી સાબિત થયેલી આયુર્વેદ 64 દવાનું વિતરણ આયુર્વેદ હોસ્પિટલ કેમ્પસ ખાતેથી શરૂ કરાયું છે. કોરોનામાં આ દવા રોગ પ્રતિકારક શક્તિ વધવામાં મદદરૂપ છે સાથે સાથે હોમ આઇસોલેટ દર્દીઓને હોસ્પીટલમાં દાખલ થવાથી શક્યતા ઘટાડતી હોવાનું ભારત સરકારના આયુષ વિભાગ હેઠળ કાર્યરત સંશોધનની સર્વોચ્ચ સંસ્થા સેન્ટ્રલ કાઉન્સીલ ફોર રીસર્ચ ઇન આયુર્વેદિક સાયન્સીસના સંશોધનમાં પુરવાર થયું છે.

કોરોનામાં આયુષ-64 દવાથી સ્વાસ્થ્યની પુન:પ્રાપ્તિમાં નોંધપાત્ર ફાયદો થાય છે
આ કોરોનાના દર્દીઓ પર કરવામાં આવેલા અભ્યાસના પરિણામોથી સિદ્ધ થયું છે કે માત્ર નિયમિત ચિકિત્સા લેતા રોગીઓની સાપેક્ષમાં તેની સાથે આયુષ-64 આપવાથી સ્વાસ્થ્યની પુન: પ્રાપ્તિમાં નોંધપાત્ર ફાયદો થાય છે. હોસ્પિટલમાં રહેવાના સમયગાળામાં નોંધપાત્ર ઘટાડો થાય છે. ઘરે સારવાર લેતા હોમ આઇસોલેટ દર્દીઓને હોસ્પીટલમાં દાખલ થવાથી શક્યતા ઘટાડે છે. > ડો. અનુપ ઠાકર, કુલપતિ-ઇન્સ્ટિટ્યુટ ઓફ ટીંચિંગ એન્ડ રિસર્ચ આયુર્વેદના ડાયરેક્ટર, આયુર્વેદ યુનિવર્સિટી​​​​​​​

આયુર્વેદિક ટેબ્લેટ અંગે કુલપતિ ડો. અનુપ ઠાકર સાથે વાર્તાલાપ
​​​​​​​પ્રશ્ન: આયુષ 64 -ટેબલેટ શું છે ?
જવાબ
: આયુષ-64 એક આયુર્વેદિક દવા છે. આ દવાના ઘટકો રોગ પ્રતિકારક શક્તિ વધારવાના, વાઈરસ જન્ય રોગને રોકવા, તાવ વિરુદ્ધના ગુણધર્મોને ધ્યાનમાં રાખી તેને ફરીથી ઉપયોગમાં લેવામાં આવી છે. ફ્લ્યુ (ઇન્ફ્લ્યુએંઝા) જેવા રોગોમાં પણ આ દવાના ખૂબ જ આશાસ્પદ પરિણામો જ્ણયા છે.

પ્રશ્ન: આ ટેબલેટ કોણ લઇ શકે ?
જવાબ
: આ ટેબલેટ કોરોનાના દર્દીઓ રોગના કોઈપણ તબક્કામાં લઇ શકે છે.

પ્રશ્ન: કોરોના પર અસર વૈજ્ઞાનિક રીતે સાબિત થઇ છે ?
જવાબ
: આ એકથી વધુ કેન્દ્રો પર કરવામાં આવેલા વૈજ્ઞાનિક અભ્યાસમાં હળવાથી મધ્યમકક્ષાના લક્ષણો ધરાવતા કોરોનાના દર્દીઓને આપવામાં આવતી નિયમિત ચિકિત્સા સાથે સહકારી ઔષધ તરીકે ચિકત્સામાં ઉપયોગી હોવાનું જણાયું છે.

પ્રશ્ન: કોરોના દર્દીઓ માટે દવાની આદર્શ માત્ર કેટલી છે ?
જવાબ
: કોરોનાના લક્ષણો વગરના દર્દીઓ માટે આયુષ-64ની 500 મીલીગ્રામની બે ગોળી દિવસ માં બે વાર ભોજન કર્યાના એક કલાક પછી 14 દિવસ માટે સૂચવવામાં આવી છે. હળવા થી મધ્યમ કક્ષાના લક્ષણો ધરાવતા દર્દીઓ માટે 500 મી.ગ્રાની બે ગોળી દિવસમાં ત્રણ વાર ભોજન કર્યાના એક કલાક પછી 14 દિવસ માટે લેવી જોઈએ

પ્રશ્ન: આ દવાની આડ અસર છે?
જવાબ
: કેટલાક દર્દીઓને સામાન્ય ઝાડા થઇ શકે છે, જે આપમેળે મટી જાય છે.

પ્રશ્ન: કોરોનાની સુરક્ષા માટે લેવાય?
જવાબ
: રોગથી બચવા માટે આયુષ-64ની 500 મી.ગ્રા.ની બે ગોળી દિવસમાં બે વાર લઇ શકાય. પરંતુ હજી સુધી રોગથી બચાવા માટેની તેની અસરકારકતાની કોઈ વૈજ્ઞાનિક અભ્યાસ દ્વારા પુષ્ટિ થઇ નથી. જો કોઈ વ્યક્તિ કોરોના દર્દીના સંપર્કમાં આવે અને લક્ષણો દેખાય તો આયુષ-64 લઇ શકાય છે.

પ્રશ્ન: હળવા લક્ષણોના કેસમાં આયુષ-64 એકમાત્ર ચિકિત્સા તરીકે લઇ શકાય ?
જવાબ
: હા, જો યોગ્ય રેફરલ હોસ્પીટલની સુવિધા ઉપલબ્ધ હોય તો કોઈ પણ આયુર્વેદ ચિકિત્સકની કડક દેખરેખ હેઠળ કોરોનાના કોવીડ-૧૯ના હળવા લક્ષણો વાળા કેસમાં એકમાત્ર ચિકીત્સા તરીકે લઇ શકાય છે.

પ્રશ્ન: કેટલા દિવસ લેવી જોઈએ ?
જવાબ
: ઓછામાં ઓછી 14 દિવસ લેવી જોઈએ. જો જરૂરી જણાય તો આયુર્વેદ તબીબ સલાહ અનુસાર અને દેખરેખ હેઠળ તે 12 અઠવાડિયા સુધી લઇ શકાય છે. વૈજ્ઞાનિક રીતે કરવામાં આવેલા અભ્યાસમાં તે 12 અઠવાડિયા સુધી સલામત હોવાનું જણાયું છે.

પ્રશ્ન: કેવી રીતે લેવી જોઈએ ?
જવાબ
: ભોજન પછી એક કલાકે ગરમ પાણી સાથે લેવી જોઈએ.

પ્રશ્ન: કોરોનાના દર્દીઓ જેમને અન્ય રોગો હોય તેઓ લઇ શકે?
જવાબ
: હા, બી.પી. કે ડાયાબિટીઝ ધરાવતા કોરોનાના હળવાથી મધ્યમકક્ષાના લક્ષણો વાળા દર્દીઓ આ દવા લઇ શકે છે. આ દર્દીઓએ તેમના અન્ય રોગની દવાઓ બંધ ન કરવી જોઈએ.

પ્રશ્ન: રસીકરણ પછી લેવામાં આવે તો તે સુરક્ષિત છે ?
જવાબ
: હા, જો કોઈ વ્યક્તિને રસીકરણ પછી પણ કોરોના વાઇરસનો ચેપ લાગે છે તો યોગ્ય આયુર્વેદ ચિકિત્સકની સલાહ અનુસાર લઈ શકાય. જો કે આ અંગે વૈજ્ઞાનિક અભ્યાસ દ્વારા કોઈ પુરાવા પ્રાપ્ત થયા નથી.

પ્રશ્ન: સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓ માટે સુરક્ષિત છે ?
જવાબ
: સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓમાં આયુષ-64 સુરક્ષિત છે તેવું હજી સુધી વૈજ્ઞાનિક રીતે સાબિત થયું નથી.

પ્રશ્ન: કઈ માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ ?
જવાબ
: આયુષ-64નો ઉપયોગ કરતી વખતે કોઈ વિશેષ તકેદારી રાખવાની આવશ્યકતા નથી.જો કે ભારત સરકારના આયુષ વિભાગ તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા કોરોના સંબંધિત જે કોઈ માર્ગદર્શિકાઓ સમયાંતરે બહાર પાડવામાં આવે છે તેનું પાલન કરવું આવશ્યક છે.

અન્ય સમાચારો પણ છે...