હાલાકી:જામનગરની જેલના પરિસરમાં ગંદા પાણી ઘૂસ્યા

જામનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જેલ પરિસરમાં બે ફૂટ જેટલા ગટરના ગંદા પાણી ફરી વળતાં ગાર્ડન સહિતના વિસ્તારને ભારે નુકસાન

જામનગર મહાનગરપાલિકાના સફાઈ તંત્રની બેદરકારીના કારણે જામનગરની જિલ્લા જેલમાં ગંદકીનું સામ્રાજ્ય છવાઈ જતાં ફરજ બજાવતા જેલના સ્ટાફ તેમજ કેદીઓ પર આરોગ્યનો ખતરો મંડરાઇ રહ્યો છે. અનેક રજૂઆતો છતાં કોઈ નિવેડો નહીં આવતાં જેલ તંત્રમાં નારાજગી જોવા મળી રહી છે.જામનગરની જિલ્લા જેલમાં ભૂગર્ભ ગટર આવેલી છે, જેમાં કચરો બ્લોક થઈ ગયો હોવાથી જેલ તંત્ર દ્વારા છેલ્લા એકાદ માસ પહેલા ટેલી ફોનિક તેમજ બે વખત લેખિત રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ તેને કોઈ યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી અને જામનગરની જિલ્લા જેલમાં ગાર્ડન તેમજ બેરેકની આસપાસના વિસ્તારોમાં ગટરના ગંદા પાણી ફરી વળ્યા છે.

જેમાં તાજેતરમાં જ જામનગરની એનજીઓ સંસ્થાઓના મદદથી જેલની અંદર ગાર્ડન બનાવાયું હતું, અને જાત જાતના ફૂલોના છોડનું વૃક્ષારોપણ કરાયું હતું, અને હાલ ગાર્ડન પણ સારું ડેવલપ થયેલું જોવા મળી રહ્યું છે. પરંતુ તેમાં બે ફૂટ જેટલું ગટરનું પાણી ભરાઇ જતાં ગાર્ડન પણ નષ્ટ થઈ રહ્યું છે. જ્યારે ખૂબ જ તીવ્ર દુર્ગંધ આવતી હોવાથી જેલના સ્ટાફ તેમજ કેદીઓ પર આરોગ્યનો ખતરો મંડરાઇ રહ્યો છે.

જામનગર મહાનગર પાલિકાના સફાઇ કામદારોને બોલાવવામાં આવે તો ત્યાં નિરીક્ષણ કર્યા પછી થઈ જશે તેવું આશ્વાસન આપી થોડું-ઘણું સફાઈ કાર્ય હાથ ધરી ને ચાલ્યા જતા હોય છે. પરંતુ સમસ્યાનો કોઈ નિકાલ આવ્યો ન હોવાથી જેલ તંત્રમાં નારાજગી જોવા મળી રહી છે. જામ્યુકોના ઉચ્ચ અધિકારીઓ આ બાબતને લઈને જેલની અંદર ગટરની તાત્કાલિક અસરથી સફાઇ કરાવવા માંગ ઉઠી છે.

નાયબ કાર્યપાલક ઈજનેરે કહ્યું... ‘અત્યારે સફાઈ કામગીરી ચાલી રહી છે’
જેલનો ઉપરનો વિસ્તાર શંકરટેકરીમાં ગટરો ચોકઅપ થઈ જતાં જેલમાં પાણી ભરાઈ જવાની અને છલકાવવાની સમસ્યા થઈ છે. હાલ આ ચોકઅપ થયેલી ગટરોની કામગીરી ચાલી રહી છે અને ચાલુ થઈ જતાં પ્રશ્ન હલ થઈ જશે. > અમિત કણસાગરા, નાયબ કાર્યપાલક ઈજનેર, જામ્યુકો.

અન્ય સમાચારો પણ છે...