મંદિરનો સૌથી મોટો ઉત્સવ કૃષ્ણ જન્મોત્સવ ભાવિકોની હાજરીમાં ઊજવવામાં આવી રહ્યો છે. જગત મંદિરનાં દ્વાર સવાનવ પછી દર્શન માટે ખૂલ્યાં છે. ભગવાન શ્રી કૃષ્ણના જન્મના વધામણા કરવા માટે રાજ્યભરમાંથી ભાવિકો દ્વારકા પહોંચ્યા છે. વહેલી સવારથી દ્વારકાધીશના દર્શન કરવા ભક્તોની લાંબી કતાર જોવા મળી છે. કૃષ્ણ જન્મોત્સવને લઇને રાત્રે દ્વારિકા નગરી અને જગત મંદિરને સોળે શણગારથી શણગારવામાં આવ્યું છે. રાત્રે 12 વાગ્યે કાન્હાના જન્મના મહોત્સવને લઇને મંદિરને રોશનીથી ઝળહળતું કરવામાં આવ્યું છે. રાત્રે પણ ભક્તોનો પ્રવાહ અવિરત જોવા મળી રહ્યો છે.
એક દિવસમાં 5 વખત ધ્વજા ચડાવાઇ
દ્વારકાધીશનાં દર્શન કરવા ભક્તોની લાંબી કતાર જોવા મળી રહી છે. માસ્ક અને કોરોના ગાઇડલાઇન્સ મુજબ, ભક્તોએ કતારમાં ઊભા રહી ભગવાન દ્વારકાધીશનાં દર્શન કર્યાં. ભક્તો દ્વારા દર્શન કરવા માટે અવિરત પ્રવાહ ચાલુ છે. બપોરે 12 વાગ્યે રાજભોગ અર્પણ કરાયા બાદ બપોરે 1 વાગ્યે મંદિરના દ્વાર બંધ કરવામાં આવ્યા હતા અને હવે સાંજે 5 વાગ્યે દર્શનાર્થીઓ માટે દ્વાર ખોલવામાં આવ્યા છે. તીર્થ પુરોહિત અભય ઠાકરે દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, આજના દિવસે 5 વખત ધ્વજા ચડાવાય છે અને આજની છેલ્લી ધ્વજા અપર્ણ કરવામાં આવી છે.
જન્માષ્ટમી ઉત્સવનો કાર્યક્રમ
શ્રીદ્વારકાધીશ મંદિરના વહીવટદાર દ્વારા જન્માષ્ટમી ઉત્સવનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં 30મી ઓગસ્ટે શ્રીજીનાં દર્શનનો સમય સવારે 6 કલાકે મંગલા આરતી, સવારે 6થી8 મંગલા દર્શન, 8 વાગ્યે શ્રીજીને ખુલ્લા પડદે સ્નાન અને અભિષેક, 9 વાગ્યે અભિષેક પશ્ચાર્ત પૂજન(પટ/દર્શન) બંધ રહ્યું હતું.10 વાગ્યે શ્રીજીને સ્નાન ભોગ અર્પણ, 10:30 કલાકે શ્રૃંગાર ભોગ અર્પણ, 11 કલાકે શ્રૃંગાર આરતી,11-15 કલાકે ગ્વાલ ભોગ અર્પણ કરવામાં આવ્યો છે. 12 કલાકે રાજભોગ અર્પણ કરવામાં આવ્યો હતો. બપોરે 1થી 5 મંદિર દર્શન માટે બંધ કરાયું હતું.
સાંજે 5 કલાકે ઉત્થાપન દર્શન
સાંજે પાંચ વાગ્યે ઉત્થાપન દર્શન, 5-30થી 5-45 કલાકે ઉત્થાપન ભોગ અર્પણ, 7-15થી 7-45 કલાકે સંધ્યા ભોગ અર્પણ, રાત્રે 8-30 કલાકે શયન આરતી કરાઈ હતી અને 9 કલાકે શ્રીજી શયન હોવાથી મંદિર દર્શન બંધ કરાયું છે. એ બાદ રાત્રે બાર કલાકે કૃષ્ણ જન્મોત્સવની વિશેષ મહાઆરતી યોજાશે. એ બાદ રાત્રે 2-30 કલાકે શ્રીજી શયન(દર્શન) બંધ રહેશે. જ્યારે તા.31ના રોજ સવારે 7 કલાકે શ્રીજીના પારણા ઉત્સવનાં દર્શન, બાદમાં 10-30 કલાકે અનોરસ(દર્શન બંધ)રહેશે.એ પછી સાંજે 5 કલાકે ઉત્થાપન દર્શન યોજાશે.
9-30 કલાકે શ્રીજી શયન સાથે દર્શન બંધ રહેશે
31મી સપ્ટેમ્બરે સાંજે 5થી 6 કલાક સુધી નિત્યક્રમ મુજબ દર્શન, બાદમાં સાંજે 6થી 7 કલાકે શ્રીજીને બંધ પડદે અભિષેક પૂજા(પટ/દર્શન બંધ રહેશે), એ બાદ સાંજે 7 થી 7-30 કલાકે શ્રીજીનાં દર્શન બાદ 7-30 કલાકે સંધ્યા આરતી, રાત્રે 8-10 કલાકે શયન ભોગ અર્પણ કરાશે અને 8-30 કલાકે શયન આરતી દર્શન બાદ 9-30 કલાકે શ્રીજી શયન સાથે દર્શન બંધ રહેશે. વહીવટી તંત્ર દ્વારા કોરોના ગાઇડલાઇન્સનું ચુસ્ત પાલન કરવા દર્શનાર્થીઓને અપીલ પણ કરાઈ છે.
ભક્તોએ 56 સીડીથી પ્રવેશ કરી મુખ્ય દ્વારથી બહાર નીકળવાની વ્યવસ્થા
જન્માષ્ટમીના દિવસે મંદિરમાં ભીડ ના થાય અને સુરક્ષા વ્યવસ્થા પણ જળવાઈ રહે એ માટે જન્માષ્ટમીના દિવસે દર્શનાર્થીઓને 56 સીડીથી પ્રવેશ આપી મુખ્ય દ્વારથી બહાર નીકળી શકે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મંદિરે દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોનો પાલન કરવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
1300 પોલીસકર્મચારી ખડપગે
દ્વારકાધીશ મંદિરની સુરક્ષા માટે 100 જેટલા પોલીસ અધિકારી અને 1200 પોલીસ, હોમગાર્ડ અને જીઆરડીના જવાનો ખડેપગે છે. જન્માષ્ટમી પૂર્વે જ કલેકટર, એસપી, ડીડીઓ, ડીવાયએસપી સહિતના અધિકારીઓ દ્વારા મંદિરની સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તમામ પોલીસ જવાનોને આજે ઉચ્ચ અધિકારીઓ તરફથી જરુરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર એમ.એ. પંડ્યા, જી.પો. વડા સુનીલ જોષીએ તમામ સ્થળે પાર્કિંગ, નો-પાર્કિંગ બેરિકેડ્સ તથા મંદિરમાં તથા અન્ય સ્થળો ગોમતી ઘાટ સહિતનાં સ્થળનું પગપાળા ચાલીને નિરીક્ષણ કર્યું હતું.
બેટ દ્વારકા-નાગેશ્વરમાં પણ વિશેષ વ્યવસ્થા
દ્વારકાના જગતમંદિરે ચુસ્ત પોલીસ-બંદોબસ્ત તહેનાત કરવાની સાથે જિલ્લા પોલીસવડા સુનીલ જોશી દ્વારા દ્વારકા ઉપરાંત જન્માષ્ટમી પર્વે બેટદ્વારકા અને નાગેશ્વર ખાતે આવતા યાત્રિકોને અનુલક્ષીને ત્યાં પણ વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.
પાર્કિંગ ઝોન
પૂર્વ દરવાજાથી જોધાભા માણેક ચોક સુધી પૂર્વ દરવાજાથી ભથાણ ચોક સુધી 50 મીટર ત્રિજ્યામાં, જોધાભા માણેક ચોકથી શિવરાજસિંહ રોડ ઇસ્કોન ગેટ સુધી 100 મીટરની ત્રિજ્યા, ત્રણ બત્તી ચોકથી મહાજન બજાર ચાર રસ્તા ત્રણ બત્તી ચોકથી ભદ્રકાલી રોડ સુધી 50 મીટરની ત્રિજ્યા, હોમગાર્ડ ચોકથી ત્રણબતી ચોક હોમગાર્ડ ચોકથી શાક માર્કટ ચોક સુધી 50 મીટર ત્રિજ્યા, શાક માર્કેટ ચોકની આજુબાજુનો વિસ્તાર 50 મીટર ત્રિજ્યા, એસટી ડેપોના આજુબાજુના વિસ્તાર 100 મીટર ત્રિજ્યામાં, કીર્તિ સ્તંભની આજુબાજનો 200 મીટરનો વિસ્તાર તેમજ સુદામા ચોક આજુબાજુનો 200 મીટરનો વિસ્તાર અને ભથાણ ચોક આજુબાજુનો 200 મીટર વિસ્તારનો ‘ નો-પાર્કિંગ ઝોન’ તરીકે તેમજ પ્રજાપતિની વાડી સામે આર્યલેન્ડ એપ્રોચ રોડ, સર્કિટ હાઉસ પાછળનું ખુલ્લું મેદાન, શારદાપીઠ કોલેજનું ખુલ્લું મેદાન એસટી રોડ, રાજપૂત સમાજ સામે ગોમતી ઘાટ ખુલ્લું મેદાન, સ્વામિનારાયણ મંદિર પાછળનું ગ્રાઉન્ડ અને હાથીગેઇટ પાર્કિંગ વ્યવસ્થાનો પાર્કિંગ ઝોન’’ની વ્યવસ્થા કરવામાં આવી છે.
ગયા વર્ષે ભક્તોએ કૃષ્ણ જન્મોત્સવનાં ઓનલાઇન વધામણાં કર્યા હતા
ઇતિહાસમાં પ્રથમ વખત કોરોના મહામારીને કારણે જગતમંદિરનાં દ્વાર ભક્તો માટે બંધ કરવામાં આવ્યાં હતાં. જોકે અહીં નીચે આપેલી લિન્કમાં ભક્તો દ્વારકાધીશનાં દર્શન ઓનલાઇન કરી શકે એ માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. જન્માષ્ટમી નિમિત્તે દ્વારકા મંદિરનું લાઇવ પ્રસારણ કરવામાં આવી રહ્યું હતું, જેથી ભક્તો ઘેરબેઠાં દ્વારકાધીશનાં દર્શન કરી શકે. દ્વારકાધીશ જગતમંદિરના પૂજારીએ જણાવ્યું હતું કે જ્યારે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ જગતમંદિરમાં ઊજવાતો હોય, ત્યારે પરંપરા અનુસરવામાં આવે છે. જે ભક્તો પોતાના ઘેરબેઠાં ઘરમાં સ્થિત લાલાજીનો જન્મદિવસ ઊજવી શકે.
દ્વારકા મંદિરના અનેક પરચા પણ લોકવાયકા સ્વરૂપે લોકોમાં પ્રસિદ્ધ
દ્વારકા મંદિરના અનેક પરચા પણ લોકવાયકા સ્વરૂપે લોકોમાં પ્રસિદ્ધ છે. 1965માં ભારત-પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન પાકિસ્તાને હુમલાનો પ્રયાસ કર્યો ત્યારે દ્વારકામાં એકપણ બોમ્બ ફૂટ્યો નહોતો. ત્યાર બાદ 1998માં કંડલામાં આવેલા વાવાઝોડામાં કંડલા અને જામનગરમાં ભારે નુકસાન થયું હતું, પરંતુ દ્વારકામાં મોટું નુકસાન આવ્યું નહોતું. 2001માં ધરતીકંપમાં પણ કચ્છમાં ભારે તારાજી સર્જાઇ હતી, પરંતુ દ્વારકામાં એવું મોટું ખાસ નુકસાન નોંધાયું નહોતું. આ માત્ર અને માત્ર દ્વારકાધીશને કારણે જ શક્ય બન્યું હોવાનું સ્થાનિકોની આસ્થા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.