દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના વાયરસની સંભવિત ત્રીજી લહેરના અગમચેતી પગલાના ભાગરૂપે પંચાયત, શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના રાજ્યમંત્રી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્લાની પ્રવર્તમાન સ્થિતિ અને આયોજન વિશે સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પ્રભારી સચિવ ડી.જી.પટેલ તેમજ જિલ્લા કલેક્ટર એમ.એ.પંડ્યા દ્વારા પણ સમગ્ર જિલ્લાની પરિસ્થિતિ અને પૂર્વ તૈયારી અંગે ચર્ચા-વિચારણા કરી હતી. આ બેઠકમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ અને ગ્રામ્ય કક્ષાએ કેસોની વિસ્તારવાઇઝ સ્થિતિ, ઓક્સિજનની ઉપલબ્ધતા, જરૂરી બેડની ઉપલબ્ધતા, કોરોના ટેસ્ટીંગ, વેક્સીનેશન, ડૉક્ટર, મેડીકલ સ્ટાફની ઉપલબ્ધતા, લોજીસ્ટીક, મેનપાવર, કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર, હોમ આઇસોલેશન, ધનવંતરી રથ, સંજીવની રથ, 108, દવાઓની જરૂરીયાતો અને ઉપલબ્ધતા, કોવિડ કેર સેન્ટર, દર્દીઓ માટે કોલ સેંટર સહિત વિવિધ આનુસાંગીક મુદ્દાઓ જરૂરિયાતો તેમજ આગોતરી તૈયારીઓ અંગેની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાગરિકોને કોરોનાની ત્રીજી લહેરને હળવાશથી ન લેવા અને માસ્ક, સોશિયલ ડિસ્ટંસ અને સેનિટાઇઝેશનનો ખાસ ખ્યાલ રાખવા અનુરોધ કર્યો હતો સાથે જ મંત્રીએ લોકોને કોરોનાના લક્ષણો જણાતા ટેસ્ટ કરાવવા અને પૂરતી તકેદારી રાખવા પણ અપીલ કરી હતી. 15 થી 18 વર્ષના બાળકોના રસીકરણની કામગીરીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લો રાજ્યમાં પ્રથમ ક્રમાંકે આવતા જિલ્લા વહિવટી તંત્ર અને આરોગ્ય વિભાગને અભિનંદન પાઠવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.