તંત્રની કવાયત:જામનગરમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે 4016 શખસો સામે અટકાયતી પગલાં

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભયમુકત અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે તંત્રની કવાયત
  • શહેર અને જિલ્લામાંથી પરવાનાવાળા 1500 જેટલા હથિયાર જમા લેવામાં આવ્યા

જામનગર શહેર તથા જિલ્લામાં ચૂંટણી પહેલાં પોલીસે સતર્ક બની 4016 શખસો સામે અટકાયતી પગલાં લીધા છે. 1500 પરવાનાવાળા હથિયાર પણ જમા લેવાયા છે. વિધાનસભાની ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે તંત્ર દ્વારા પગલા ભરાઇ રહ્યા છે અને કેટલાક અસામાજિક તત્વો તેમજ બુટલેગરોને પાંજરે પુરવામાં આવી રહ્યા છે. શહેરના એ, બી તથા સી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ અને જિલ્લાના કુલ અગિયાર પોલીસ મથકમાં કુલ 4016 શખસો સામે અટકાયતી પગલાં ભરાયા છે. જેમાં સિટી-એ ડિવિઝનમાં 409, બી ડિવિઝનમાં 661, સી ડિવિઝનમાં 325 શખસનો સમાવેશ થાય છે.

જિલ્લાના મેઘપર, જોડિયા, કાલાવડ શહેર તથા ગ્રામ્ય, લાલપુર, સિક્કા, પંચકોશી-એ, પંચકોશી-બી, ધ્રોલ, શેઠવડાળા પોલીસ મથકોમાં જુદા જુદા શખ્સો સામે અટકાયતી પગલાં ભરાયા છે. તેમાં ખાસ કરીને સૌથી વધુ જામજોધપુર પોલીસ મથકમાં ૩૭૮ શખ્સો સામે અટકાયતી પગલાં ભરાયા છે અને નવ શખ્સોની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે.

જિલ્લાના 1981 આસામીઓ જુદા જુદા કારણસર હથિયારો ધારણ કરવાનો પરવાનો ધરાવે છે તેમાંથી 1500 હથિયારો જમા કરાવવામાં આવ્યા છે. શહેરના એ ડિવિઝનમાં 409 હથિયાર, બીમાં 250, સીમાં 212 તથા પંચકોશી-એ અને બીમાં 184 હથિયાર, સિક્કામાં 35 હથિયાર, ધ્રોલ-જોડિયામાં 105 હથિયાર, કાલાવડ શહેર તથા ગ્રામ્યમાં 197 હથિયાર, લાલપુરમાં 134, શેઠવડાળામાં 50, જામજોધપુરમાં 76 અને મેઘપર પોલીસ સ્ટેશનમાં 54 હથિયાર કબજે કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...