આક્રોશ:જામનગર જિલ્લામાં 1020 હેકટર જમીનનું ધોવાણ છતાં ખેડૂતોને સહાયનું ફદિયું મળ્યું નથી

જામનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સર્વે પૂર્ણ થયાને મહિના કરતા વધુ સમય થયો હોવા છતાં સહાયના કોઇ ઠેકાણા નથી
  • જામનગર ગ્રામ્ય, કાલાવડ, જોડિયા, જામજોઘપુર તાલુકામાં રૂ.1.24 કરોડ ચૂકવવાપાત્ર સહાય: ખેડૂતોમાં રોષ

જામનગર જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદ અને ડેમના પાણીથી જમીનનું ધોવાણ થતાં સર્વે કરાયો હતો. આ સર્વેને મહિના કરતા વધુ સમય થયો હોવા છતાં સહાયના કોઇ ઠેકાણા ન હોય ખેડૂતોને સહાયનું ફદિયું પણ મળ્યું નથી. જામનગર ગ્રામ્ય, કાલાવડ, જોડિયા, જામજોઘપુર તાલુકામાં રૂ.11.24 કરોડ ચૂકવવાપાત્ર સહાય છે. પરંતુ સહાય ચૂકવામાં ન આવતા ખેડૂતોમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે.

જામનગર જિલ્લામાં ચાલુ વર્ષે ભારે વરસાદ અને ડેમ ઓવરફલો થતાં કાંઠાળ વિસ્તારોમાં આવેલા ગામડાઓમાં ભારે તારાજી સર્જાઇ છે. આથી જિલ્લા પંચાયતના સિંચાઇ વિભાગ દ્વારા જિલ્લામાં જમીન ધોવાણનો સર્વે કરાયો હતો.

જેમાં જામનગર જિલ્લાના કાલાવડ, જામનગર ગ્રામ્ય, જોડિયા અને જામજોઘપુર તાલુકામાં 25 ટીમ દ્વારા 49 ગામમાં જમીન ધોવાણના સર્વે અંતર્ગત કુલ 2158 હેકટર જમીનનો સર્વે કરાયો હતો. જે પૈકી 1020 હેકટર જમીનમાં 3 ઇંચ કે તેથી વધુ જમીનનું ધોવાણ થયાનું સર્વેના અંતે નોંધાતા કુલ રૂ.1.24 કરોડ સહાય ચૂકવવા પાત્ર થઇ હતી. પરંતુ સર્વેને એક મહિનાથી વધુ સમય થયો હોવા છતાં ખેડૂતોને સહાય પેટે ફદિયું પણ મળ્યું ન હોય ખેડૂતોમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે.

જિલ્લામાં સૌથી વધુ જોડિયા તાલુકામાં 472 હેકટર જમીનનું ધોવાણ થયું હતું
જામનગર જિલ્લામાં વરસાદ અને ડેમના પાણીથી જમીનનું ધોવાણ થતાં જિલ્લા પંચાયત સિંચાઇ વિભાગ દ્વારા ચાર તાલુકામાં સર્વે કરાયો હતો. જેમાં જોડિયા તાલુકામાં સૌથી વધુ 472.5200 હેકટર જમીનનું ધોવાણ થયું હતું. જયારે કાલાવડમાં 167.9064, જામનગર ગ્રામ્યમાં 254.8251, જામજોઘપુરમાં 125.50 હેકટર જમીનનો સમાવેશ થાય છે.

49 ગામમાં 25 ટીમ દ્વારા સર્વે થયો હતો
જામનગર જિલ્લામાં વરસાદ અને ડેમના પાણીથી કાંઠળ વિસ્તારોમાં જમીનનું ભારે ધોવાણ થતાં જિલ્લાના કાલાવડ, જામનગર ગ્રામ્ય, જોડિયા અને જામજોઘપુર તાલુકાના 49 ગામમાં જમીન ધોવાણનો સર્વ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...