કોરોના મહામારીમાં ઇમરજન્સીમાં નાણાંની જરૂરિયાતના પગલે જામનગરવાસીઓની માનસિકતા બદલતા અને હાથ પર રોકડ રાખવાનું પ્રમાણ ખૂબજ વધતા તેની સીધી અસર શહેરની બેંકોમાં આવતી થાપણો પર જોવા મળી છે. આ કારણોસર વર્ષ 2019-20ની સરખામણીમાં વર્ષ 2020-21માં શહેર-જિલ્લાની બેંકોમાં થાપણમાં રૂ.1852.27 કરોડનો વધારો થયો છે. જયારે બીજી બાજુ લોકાડાઉન અને કડક નિયંત્રણોને કારણે ધંધા-રોજગારને ફટકો પડતા ધીરાણમાં રૂ.1192.86 કરોડનો ઘટાડો નોંધાયો છે તેમ લીડબેંકના અધિકારીઓએ જણાવ્યું હતું.
મહામારીને કારણે લોકોની જીવનશૈલીમાં બદલાવ આવ્યો છે સાથે સાથે માનસિકતા પણ બદલાઈ છે. મહામારી પૂર્વે લોકો વધારાના નાણાંનું બેંકોમાં રોકાણ કરતા હતાં. પરંતુ કોરોના આવ્યા બાદ મોટાભાગના લોકો ઇમરજન્સી માટે હાથ પર રોકડ રકમ રાખી રહ્યા છે. જામનગર લીડ બેંકના મેનેજર તથા એસબીઆઈ ચીફ મેનેજર સત્યેન્દ્ર કુમાર સોનીએ જણાવ્યું હતું કે, વર્ષ-2019-20માં શહેર-જિલ્લાની બેંકોમાં કુલ રૂ.17611.46 કરોડની થાપણ આવી હતી.
પરંતુ હાથ પર રોકડ રાખવાનું પ્રમાણ વધતાં વર્ષ-2020-21માં રૂ.19463.73 કરોડની થાપણ આવી હતી. આથી થાપણમાં રૂ.1852.27 કરોડનો વધારો થયો હતો. જો કે, થાપણની સાપેક્ષમાં ધીરાણમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2019-20માં રૂ.13866.06 કરોડનું ધીરાણ એટલ કે લોન આપવામાં આવી હતી. પરંતુ વર્ષ 2020-21માં રૂ.12863.20 કરોડનું ધીરાણ બેંકો દ્વારા આપવામાં આવ્યું હતું. આથી એક વર્ષમાં ધીરાણમાં રૂ.1192.86 કરોડનો ધટાડો થયો હતો.
ફેક્ટફાઇલ | બેંકોએ 2 વર્ષમાં આપેલી લોન | |||
વિભાગ | 2019-20 | 2020-21 | તફાવત(રૂ.કરોડમાં) |
ઉદ્યોગ | 253357 | 306101 | 52744 |
ખેતી | 291857 | 318944 | 27087 |
હાઉસીંગ | 114288 | 161829 | 47541 |
શિક્ષણ | 3711 | 2634 | 1077 |
અન્ય | 99579 | 153617 | 54038 |
લોકડાઉનમાં વ્યવસાયમાં રકમની જરૂર ન પડતા બેંકોમાં મૂકી
કોરોનામાં લોકડાઉનને કારણે ધંધા-રોજગાર બંધ પડતાં લોકોએ વ્યવસાયમાં નાણાંની જરૂર ન પડતા પોતાની પાસે હાથ પર રહેલી રકમ બેંકોમાં થાપણ પેટે મુકતા થાપણમાં વધારો થયો હોવાનું બેંકિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા અધિકારીઓએ જણાવ્યું હતું.
ઓનલાઇન શિક્ષણથી એજયુકેશન લોનમાં ઘટાડો
છેલ્લાં 2 વર્ષથી ચાલી રહેલી કોરોના મહામારીના કારણે બાળકો ઘરેથી અભ્યાસ કરી રહ્યા છે. આથી બહારગામ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ખર્ચમાં કાપ મુકાયો છે. જેને કારણે એજ્યુકેશન લૉનમાં ધટાડો નોંધાયો છે. જ્યારે કોરોનાની પ્રથમ લહેરમાં મકાનના ભાવમાં ધટાડો થયો હતો. આથી જે લોકોને મહામારી અસર ઓછી થઈ હતી તે લોકોમાં હોમલોનની માંગ વધી હતી.> દિક્ષિત ભટ્ટ , ચીફ મેનેજર, લીડ બેંક, જામનગર.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.