રોગચાળો:જામનગરમાં ડેન્ગ્યુના કેસ મહિનામાં 3 ગણા થઈ ગયા

જામનગર24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જુલાઇમાં 5 ની સામે ઓગસ્ટમાં 19 કેસ નોંધાયા, વાહકજન્ય રોગચાળાે અટકાવવાની કામગીરી જ બીમાર પડી !
 • 30 દિ’માં મેલેરિયાના વધુ 7 કેસ: મચ્છરોની ઉત્પતિ ન થાય તે માટે દવાનો છંટકાવ અને સૂચના આપી સંતોષ માની લેતી મનપા

જામનગરમાં મહિનામાં ડેન્ગ્યુના કેસ ત્રણ ગણા થઇ જતાં મહાનગરપાલિકાની વાહકજન્ય રોગચાળો અટકાવવાની કામગીરી શંકાના દાયરામાં આવી છે. શહેરમાં જુલાઇમાં 5 ની સામે ઓગષ્ટ મહિનામાં ડેન્ગ્યુના 19 કેસ નોંધાયા છે. 30 દિવસમાં મેલેરિયાના વધુ 7 કેસ નોંધાયા છે. મચ્છરોની ઉત્પતિ ન થાય તે માટે દવાનો છંટકાવ અને સૂચના આપી મહાનગરપાલિકા સંતોષ માની લેતા રોગચાળો વકર્યો છે.

જામનગરમાં ભેજવાળા અને વાદળછાયા વાતાવરણના કારણે મચ્છરોના ઉપદ્રવમાં વધારો થયો છે. જેના કારણે સાંજના સમયે તો જાહેર સ્થળો પર બેસી શકાતું નથી. મચ્છરોનો ઉપદ્રવ વધતા ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસમાં વધારો થયો છે. કારણ કે, શહેરમાં જુલાઇ મહિનામાં ડેન્ગ્યુના ફકત 5 કેસ મનપાના ચોપડે નોંધાયા હતાં. જે વધીને ઓગષ્ટ મહિનામાં 19 પર પહોંચતા ત્રણ ગણો વધારો થયો છે.

બીજી બાજુ મેલેરિયાનો કેસ જુલાઇમાં 1 નોંધાયો હતો. જેની સામે ઓગષ્ટ મહિનામાં 8 કેસ નોંધાયા છે. આમ મચ્છરજન્ય રોગચાળામાં વધારાથી શહેરીજનોમાં ચિંતાની લાગણી ફેલાઇ છે. બીજી બાજુ મચ્છરજન્ય વાહક રોગચાળાને નિયંત્રણમાં રાખવા મનપાની આરોગ્ય શાખા દ્વારા 12 ટીમની રચના કરી શહેરમાં અઠવાડિયા ધોરણે 40000 ઘરની મુલાકાત લેવામાં આવી રહી છે. આ ટીમ દ્વારા ફીવર સર્વેલન્સ, એન્ટીલાર્વા, ફોગીંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. આમ છતાં શહેરમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસ વધતા આ કામગીરી સામે સવાલ ઉઠયા છે.

મચ્છરોનો ઉપદ્રવ ન થાય એ માટે આટલી તકેદારી જરૂરી

 • પાણી ભરેલા તમામ વાસણો હવાચુસ્ત ઢાંકણથી ઢાંકી રાખવા
 • પાણની ટાંકી, ફૂલદાનીઓ, પક્ષીકુંજ, કુલર, ફ્રીજની ટ્રે અઠવાડિયામાં એક વખત સાફ કરવી.
 • પાણીના ખાડા-ખાબોચિયા ખાલી કરવા કે માટીથી બુરી દેવા
 • મોટા પાણીના ભરાવામાં બળેલું ઓઇલ કે કેરોસીન નાખવું
 • અગાસી, પાર્કિંગ, સેલરમાં ભરાયેલા પાણીનો નિકાલ કરવો.
 • નકામા ટાયરો, ખાલી વાસણો કે ધાબા પરના ડબ્બા તથા ભંગારમાં પાણી ન ભરાય તેની કાળજી રાખવી.
 • મચ્છરો ન કરડે તે માટે મચ્છરદાનીનો ઉપયોગ કરો.
 • તાવ આવે તો તુરંત નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો.

તાવના કેસ 3387માંથી ઘટીને 1575 થયા
જામનગરમાં તાવના વાયરલ રોગચાળાએ અજગરી ભરડો લીધો છે. શહેરમાં જુલાઇ મહિનામાં મનપાના ચોપડે સામાન્ય તાવના 3387 કેસ નોંધાયા હતાં. જયારે ઓગષ્ટ મહિનામાં સામાન્ય તાવના કેસ ઘટીને 1575 થતાં અનેક સવાલ ઉઠયા છે.

અન્ય સમાચારો પણ છે...