જામનગર મનપાની ફાયર શાખા દ્વારા જામનગર શહેરમાં આવેલ સરકારી વિભાજી સ્કૂલને ફાયર એનઓસી ના હોવાનું કારણ આગળ ધરીને સીલ મારી દેવામાં આવ્યું છે, ત્યારે આજે વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં આ સીલ તાકીદે ખોલવામાં આવે તેવી માંગ યુથ કોંગ્રેસ અને જામનગર એનએસયુઆઇ ટીમ દ્વારા કરવામાં આવી છે.
થોડા દિવસ પહેલા જામનગર ફાયર વિભાગ દ્વારા વિભાજી સરકારી સ્કુલમાં સીલ મારવામાં આવ્યું હતું..ફાયર સેફટીનાં સાધનો હોવા જ જોઇએ, પરંતુ સરકારી સિસ્ટમમાં કોઇપણ કામ કરવું હોય તો તેની લાંબી પ્રોસેસ અને કાગળની કામગીરીમાં થી પસાર થવું પડે છે અને ત્યારબાદ ગ્રાન્ટ આવ્યે કામ કરાવી શકાય છે.વિભાજી સ્કુલમાં પણ ફાયર સેફટીના સાધનો વસાવવા માટે ઘણા બધા કાગળો સંલગ્ન કચેરીને લખવામાં પણ આવ્યા છે. જીલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ પણ ફાયર સેફટીના સાધનની ગ્રાન્ટ ફાળવવા માટેની રજૂઆત પણ કરેલ છે.
જ્યારે જામનગર મહાનગરપાલિકાની ફાયર કચેરીમાં જ્યાંથી ફાયર NOC આપવામાં આવે છે તે કચેરીમાં ફાયર સિસ્ટમ નથી કે ફાયરની એન.ઓ.સી નથી તો નિયમ મુજબ આ કચેરીને પણ સીલ મારવું જોઈએ. હાલ પરીક્ષાનો સમય શરૂ થઈ રહ્યો છે અને સરકારી સ્કૂલમાં સીલ મારવું વિદ્યાર્થીના હિત સાથે ચેડા કરતો નિર્ણય છે માટે જ્યાં સુધી સરકારમાંથી ગ્રાન્ટ ન આવે ત્યાં સુધી વિભાજી સ્કૂલમાં ફાયર સેફ્ટીનું કામ શક્ય નથી માટે વિદ્યાર્થીઓને હિતને ધ્યાનમાં લઈને વિભાજી સ્કૂલનું સીલ ખોલી આપવા માટેની રજૂઆત કરી હતી. જામનગર યુથ કોંગ્રેસ પ્રમુખ ડો.તૌસીફખાન પઠાણ, યુવક કોંગ્રેસ 78 પ્રમુખ શકિતસિંહ જેઠવા અને એનએસયુઆઇ પ્રમુખ મહિપાલસિંહ જાડેજા સહિતના કાર્યકર્તાઓ રજૂઆતમાં જોડાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.