કાર્યવાહી:ચેલાના મેફેડ્રોન પ્રકરણમાં આરોપીના 5 દિ’ના રિમાન્ડ

જામનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ડ્રગ્સ સહિત સાડા ત્રણ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો: મેફેડ્રોન પનવેલના શખસ પાસેથી મેળવ્યાનું ખૂલ્યું

જામનગર નજીક ચેલા ગામે એસઓજી પોલીસે રહેણાંક મકાનમાં દરોડો પાડી મેફેડ્રોનના 34 ગ્રામ જથ્થા સાથે 1 શખસને દબોચી લીધો હતો. પોલીસે ડ્રગ્સ સહિત સાડા ત્રણ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મેળવી સઘન પૂછતાછ હાથ ધરી છે. પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત અનુસાર જામનગર તાલુકાના ચેલા ગામે રહેતા ઈમ્તિયાઝ રસીદ લાખા નામનો શખસ પોતાના ઘરે કેફી પદાર્થનો સંગ્રહ કરીને છૂટક વેચાણ કરી રહ્યો છે તેવી બાતમી એસઓજીને મળતા તેમણે તેના ઘરે રેઈડ કરી તેના ઘરમાંથી 34 ગ્રામ મેફેડ્રોન પાવડર તથા અન્ય મુદ્દામાલ રૂા.3,50,200નો કબજે કર્યો હતો.

પોલીસે પકડાયેલા શખસ સામે એનડીપીએસી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. પંચકોશી-બી પોલીસે આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરી તેના તા.18મી સુધી પાંચ દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક પોલીસ પૂછપરછ દરમિયાન પકડાયેલા શખસે આ માદક પદાર્થનો જથ્થો પનવેલના શખસ પાસેથી મેળવ્યાનું ખૂલ્યું હતું. આથી પોલીસે તપાસનો દૌર મહારાષ્ટ્રના પનવેલ સુધી લંબાવવા માટે તજવીજ હાથ ધરી છે. ડ્રગ્સના સપ્લાયર સુધી પહોંચવા માટે પોલીસ ટીમ ટૂંક સમયમાં જ મહારાષ્ટ્ર ભણી જશે એવા નિર્દેશ સાંપડી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...