ત્રિ-​​​​​​​વિધ કાર્યક્રમ:જામનગરમાં સતવારા કન્યા વિદ્યાલયનું લોકાર્પણ અને છાત્રાલયનું ભૂમિપૂજન કરાયું

જામનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહાસંમેલન, રકતદાન કેમ્પ સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા, રૂ.1100000 નું અનુદાન
  • કાર્યક્રમમાં સંતો-મહંતો, રાજકીય આગેવાનો અને સમાજના શ્રેષ્ઠીઓ હાજર રહ્યા, જ્ઞાતિબંધુઓ જોડાયા

જામનગરમાં સતવારા કન્યા છાત્રાલય અને કન્યા વિદ્યાલય દ્વારા નિર્મિત કન્યા વિદ્યાલયનું લોકાર્પણ સાંસદ પૂનમબેન માડમના હસ્તે કરવામાં આવ્યું હતું. સમાજના અગ્રણી અને જામનગરના નામાંકિત સર્જન ડો. વી. એચ. પોપલિયા અને તેમના પરિવારના હસ્તે છાત્રાલયનું ભૂમિ પૂજન અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડો. પોપલિયાએ રૂ.11 લાખનુ અનુદાન આપ્યું હતું.

સતવારા જ્ઞાતિ કન્યા છાત્રાલય અને કન્યા વિદ્યાલય તથા સતવારા સુરક્ષા સેનાના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ કન્યા કેળવણી સંકુલ જામનગર ના મુખ્ય દાતા પીનાબેન તુષારભાઈ નકુમ, આદિત્ય તુષારભાઈ નકુમ તથા તુષારભાઈ નકુમના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. કાર્યક્રમનું ઉદ્ઘાટન સંતોના હસ્તે કરવા આવ્યું હતું.

જેમાં આણદાબાવા સંસ્થાના મહંત દેવપ્રસાદજી મહારાજ, પ્રણામી-ખીજડા મંદિરના મહંત કૃષ્ણમણિજી મહારાજ, ખાખીમઢી આંબરડીના રામદાસ બાપુ, છોટે હરિદ્વાર બેડના દેવસીબાપા તથા લાલજીબાપા આશ્રમના અરજણબાપા હાજર રહી આશિર્વચન આપ્યા હતા. સાથે સાથે કચ્છ જાગિરના મહંત કૃષ્ણનંદજી મહારાજના અને જામનગરની મોટી હવેલીના વલ્લભરાય મહોદયે આર્શિવચન પાઠવ્યા હતાં.

કાર્યક્રમમાં ગુજરાત સરકારના કેબીનેટ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, સતવારા જ્ઞાતિ મહામંડળના પ્રમુખ શંકરભાઈ દલવાડી, ખંભાળિયા ભાણવડના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, જામનગર સતવારા સમાજના પ્રમુખ ભનુભાઈ ચૌહાણ તેમજ ગુજરાત ભરના જુદા જુદા વિસ્તારોના સતવારા સમાજના પ્રમુખો આગેવાનો તેમ જ સતવારા સમાજના ચુંટાયેલા જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો, ગ્રામ પંચાયતના સરપંચો પણ હાજર રહ્યા હતા. મહેમાનોનું સ્વાગત સંસ્થાના મંત્રી વિમલભાઈ નકુમે કર્યું હતું.

સંસ્થાના પ્રમુખ વલ્લભભાઈ ધારવિયાએ સંસ્થાનો સમગ્ર પરિચય આપ્યો હતો અને ભાવિ યોજના જણાવી હતી. આભાર વિધી વિદ્યાલયના પ્રમુખ અરજણભાઈ સોનગરાએ કરી હતી. કાર્યક્રમનું સંચાલન વિમલભાઈ નકુમ તથા દિપકભાઇ ધારવિયાએ કર્યું હતું આ તકે સમાજના વિરલ દાતાઓનું સન્માનપત્ર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

ઉપસ્થિત દાતાઓએ ઉદાર હાથે ફાળો આપીને કન્યા કેળવણી સંકુલ નવ મહિનામાં તૈયાર કરવા સંકલ્પ કર્યો હતો. કન્યા વિદ્યાલય જામનગરની બહેનોએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. સાથે સાથે જ્ઞાતિ ભોજનનું આયોજન કર્યું હતું. ઉપસ્થિત તમામે મહાપ્રસાદનો પણ લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...